મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

મોદી ચીનનું નામ લેતાં પણ ડરી રહ્યા છે : સોનિયા ગાંધી

મોદીના પ્રજા જોગ સંબોધન બાદ કોંગ્રેસના પ્રહાર : લદ્દાખમાંથી ક્યારે ચીનનાં સૈનિકોને પાછાં કાઢશો તેવો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો મોદીને સણસણતો સવાલ

નવી દિલ્હી, તા. ૩૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતાં કોરોના મહામારી અને અનલોકની વિસ્તારપૂર્વક વાત કરી પણ તેમના સંબંધોનમાં ભારત-ચીન ઘર્ષણનો કોઈ ઉલ્લેખ નહોતો. અંગે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડાપ્રધાન મોદીની આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, વડાપ્રધાન તબક્કે ચીનની ટીકા કરવાનું પણ ભૂલી ગયા. પોતાના સંબોધનમાં ચીનનો ઉલ્લેખ કરતાં પણ મોદી ડરી રહ્યા છે. સોનિયાએ એમ પણ જણાવ્યું કે, પીએમ મોદીના સંબોધનમાં કોઇ સરકારી જાહેરાત હોવી જોઈતી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સવાલ કર્યો હતો કે, વડાપ્રધાન મોદી ચીનની સેનાને ભારતીય સરહદમાંથી ક્યારે પાછી હટાવશે તેમણે દેશને કહેવું જોઈએ. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે, કોરોના અને અર્થવ્યવસ્થાને લઈને તેમણે પીએમ નરેન્દ્ર મોદીને સૂચન કર્યાં છે.

           રાહુલે કહ્યું કે કોરોનાથી અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. તેનાથી સૌથી વધારે નુકસાન ગરીબ પરીવાર, મજૂર અને મધ્યમવર્ગને થયું છે. સરકાર ન્યાય યોજના જેવી એક સ્કીમ લાવે. તે વધારે લાંબી હોય, મહિના માટે હોય. તે અંતર્ગત ગરીબ પરીવારના ખાતામાં રૂ. ૭૫૦૦ દર મહિને જમા કરે. રાહુલે કહ્યું કે તેનાથી ડિમાન્ડ વધશે અને અર્થવ્યવસ્થા ફરી પાટા ઉપર ચઢશે. કોંગ્રેસે તેના ટ્વીટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે જેમાં ચીન વિશે એવું લખવામાં આવ્યું છે કે ચીન, ભારતની સરહદમાં ૪૨૩ મીટર સુધી ઘૂસી આવ્યું છે. સોનિયાએ એમ પણ કહ્યું હતું કે ભારતને એવા નેતાની જરૂર છે જે અસફળતાનો સ્વીકાર કરે અને જેમાં સુધારાની સંભાવનાઓ બચી હોય. ભારતને એવા નેતાની જરૂર નથી જે સંકટોથી દૂર ભાગે અને તેની પર વાત કરવાથી બચે. રાહુલ ગાંધીએ ચીનમાંથી થતી ઈમ્પોર્ટ મુદ્દે પણ સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે ભાજપ મેક ઈન ઈન્ડિયાની વાત કરે છે, પરંતુ સામાન ચીનથી ખરીદે છે. રાહુલે ટ્વિટર પર બે ગ્રાફ શેર કરી જેમાં મનમોહન અને મોદી સરકારના સમયે ચીનથી ઈમ્પોર્ટની ટકાવારી દર્શાવી છે.

(10:28 pm IST)