મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

સાઉથ ચાઇનાથી લઇને લદ્દાખ સુધી દાદાગીરી દેખાડનાર ચીની ડ્રેગને હવે ભૂતાનની ઍક નવી જમીન ઉપર પોતાનો દાવો કર્યો

થિમ્પુ: સાઉથ ચાઈના સીથી લઈને લદાખ સુધી દાદાગીરી દેખાડતા ચીની ડ્રેગને હવે ભૂતાન (Bhutan) ની એક નવી જમીન પર પોતાનો દાવો ઠોક્યો છે. ચીને ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી કાઉન્સિલની 58મી બેઠકમાં ભૂતાનના સકતેંગ વન્યજીવ અભ્યારણ્યની જમીનને 'વિવાદિત' ગણાવી દીધી. આ સાથે જ આ પ્રોજેક્ટને થનારા ફંડિંગનો 'વિરોધ' કરવાનો પ્રયત્ન કર્યો. ભૂતાને ચીનના આ પગલાંનો આકરો વિરોધ કર્યો અને જમીનને પોતાનું અભિન્ન અંગ ગણાવ્યું.

ચીના દાવાથી બિલકુલ ઉલટુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં અભ્યારણ્યની જમીનને લઈને ક્યારેય કોઈ વિવાદ રહ્યો નથી. જો કે ભૂતાન અને ચીન વચ્ચે હજુ પણ સીમાંકન થયું નથી. ચીનની આ નાપાક ચાલનો ભૂતાને આકરો વિરોધ કર્યો. ભૂતાને ચીનના આ દાવા પર આપત્તિ જતાવતા કહ્યું કે સાકતેંગ વન્યજીવ અભ્યારણ્ય ભૂતાનનો અભિન્ન અને સાર્વભૌમ હિસ્સો છે.'

વન્યજીવ અભ્યારણ્ય કોઈ વૈશ્વિક ફંડિંગનો હિસ્સો રહ્યો નથી

એક રિપોર્ટ મુજબ આ સમગ્ર વિવાદમાં રસપ્રદ વાત એ રહી કે આ વન્યજીવ અભ્યારણ્ય ક્યારેય કોઈ પણ વૈશ્વિક ફંડિંગનો હિસ્સો રહ્યો નથી. પહેલીવાર જ્યારે આ અભ્યારણ્યને પૈસા આપવાની વાત સામે આવી તો ચીને તક ઝડપી લીધી અને જમીન પર પોતાનો દાવો ઠોકી દીધો. જો કે ચીનના વિરોધ બાદ પણ કાઉન્સિલે આ પ્રોજેક્ટને પોતાની મંજૂરી આપી દીધી.

કાઉન્સિલમાં ચીનનો પ્રતિનિધિ છે પણ ભૂતાનનો કોઈ પ્રતિનિધિ નથી. ભૂતાનનું પ્રતિનિધિત્વ ભારતના વરિષ્ઠ આઈએએસ અધિકારી અપર્ણા સુપ્રમણીએ કર્યું જેઓ વિશ્વબેંકમાં બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ અને શ્રીલંકાના પ્રભારી છે. આ અગાઉ બે જૂનના રોજ જ્યારે પ્રત્યેક પ્રોજેક્ટ મુજબ ચર્ચા થઈ રહી હતી ત્યારે ચીની કાઉન્સિલના સભ્ય ઝોંગજિંગ વાંગે આ અંગે આપત્તિ વ્યક્ત કરી હતી. તેમણે આ આપત્તિને નોંધવાનું પણ જણાવ્યું હતું. 

(5:28 pm IST)