કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુક્યા બાદ અમેરિકન કંપની ગુગલ અને ઍપલ પણ મેદાનમાં આવ્યાઃ પોતાની ઍપ સ્ટોરમાંથી ટીકટોક અને હેલોને હટાવી દીધા
નવી દિલ્હી: TikTok અને Helo સહિત 59 એપ્સ પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકાયા બાદ અમેરિકન કંપની ગૂગલ અને એપલ પણ મેદાને આવી ગયા છે. આ બંને કંપનીઓએ તાબડતોબ પોતાના એપ સ્ટોરથી ટિકટોક અને હેલોને હટાવી દીધી છે. ગઈ કાલે રાતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ આજે સવારે લગભગ 9 વાગે આ પગલું લેવાયું. હવે કોઈ પણ ભારતીય યૂઝર આ એપ્સને ડાઉનલોડ કરી શકશે નહીં.
મળેલી માહિતી મુજબ હાલ ગૂગલે પોતાના પ્લે સ્ટોર અને એપલે પોતાના એપ સ્ટોરથી કેટલીક ચીની એપ્સને બેન કરી છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા બેન કરાયેલી તમામ ચીની એપ્સમાંથી કેટલીક હજુ પ્લે સ્ટોરમાં જોવા મળી રહી છે. હાલ બંને અમેરિકી કંપનીઓએ પોતાની આ કાર્યવાહી પર કોઈ અધિકૃત નિવેદન જાહેર કર્યું નથી.
ભારતમાં પ્રતિબંધ લાગ્યા બાદ ચીનની મોબાઈલ એપ ટિકટોકે પોતાની સ્પષ્ટતા બહાર પાડી છે. નિવેદન બહાર પાડીને ટિકટોકે કહ્યું કે કંપની ભારતમાં પોતાના કોઈ પણ યૂઝરનો ડેટા ચીન સહિત કોઈ પણ વિદેશી સરકાર સાથે શેર કરતી નથી. એપ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો તે અંગે કંપનીનું કહેવું છે કે બાઈટડાન્સએ ભારત સરકાર પાસે પોતાનો પક્ષ રજૂ કરવાની મંજૂરી માંગી છે જેથી કરીને આશંકાઓ દૂર કરી શકાય.
અત્રે જણાવવાનું કે પૂર્વ લદાખમાં ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારત સરકારે ટિકટોક અને યુસી બ્રાઉઝર સહિત ચીન સંલગ્ન 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. સરકારે આ એપ્સને સુરક્ષા કારણોસર જોખમી ગણાવી છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ આ એપ્સ એવી ગતિવિધિઓમાં સામેલ છે જે ભારતના સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા માટે જોખમી છે.