મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

રામમંદિર નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે વિહીપઃ સોનાનું મંદિર બનાવશું: મહંત કમલનયન દાસઃ અયોધ્યામાં ફરી એક વાર કાર સેવા

અયોધ્યા,તા.૩૦: વિશ્વ હિન્દુ પરિષદે રામમંદિરે નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવાનો નિર્ણય કરી લીધો છે. વિહીપે નકકી કર્યું છે કે લોકો આર્થિક અને શારીરિક સહયોગથી રામમંદિર બનાવશે. એક વાર કોરોના સંકટ દુર થાય પછી મંદિર માટે કાર સેવા પણ થશે. સામાન્ય ભારતીય પોતાની ત્રેવડ અનુસાર તન, મન,ધનથી સહયોગ આપશે. વીએચપી અનુસાર, અયોધ્યામાં રામમંદિર નિર્માણની જવાબદારી ભલે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસની છે. પણ વીએચપી પોતાની ભૂમિકા નિભાવવામાં કોઇ કસર નહીં રાખે. અયોધ્યામાં થયેલી વીએચપીની મીટીંગમાં આવો નિર્ણય લેવાયો હતોે મીટીંગમાં એવુ પણ નકકી થયુ કે કોરોના સંકટ દૂર થતાં જ ભૂમિપૂજન પછી મંદિરનું ઔપચારિક નિર્માણ શરૂ થઇ જશે. ત્યારે સામાન્ય ભારતીય નાગરિક પણ અહીં કારસેવા માટે આવી શકશે.

શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ન્યાસના મહામંત્રી અને વીહીપના ઉપાધ્યક્ષ ચંપત રાય અનુસાર અયોધ્યાની મીટીંગમાં નકકી થયું છે કે સામાન્ય ભારતીય નાગરિકને ભાવનાત્મક રીતે શ્રી રામ લલા મંદિર નિર્માણ સાથે તન, મન,ધનથી જોડવાનું અમારૂ સૌનુ લક્ષ્ય છે. આમ તો મંદિર નિર્માણ માટે નાણાની કોઇ કમી નથી પણ સામાન્ય શ્રધ્ધાળુ જનતાને ભાવનાત્મક રીતે મંદિર નિર્માણ સાથે જોડવા માટે એવો નિર્ણય કરાયો છે કે, દરેક ભારતીય દસ રૂપિયાનો સહયોગ આપે, જેથી બધાની ભાગીદારી સુનિશ્ચિત થઇ શકે.

મહંત કમલનયન દાસે કહ્યું કે, રામમંદિર મોડલમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે. રહી વાત રામ મંદિર નિર્માણની ભવ્યતાની તો આખુ મંદિર સોનાથી બનાવવામાં આવશે. તો રામલલાના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્રદાસે કહ્યું કે, હવે રામ મંદિર નિર્માણમાં મોડુ ન કરવું જોઇએ.  જો શકય હોય તો ૧ અથવા ૨ જુલાઇએ ભૂમિપૂજનનું કામ થઇ જવું જોઇએ. તો વીએચપીના મીડીયા પ્રભારી શરદ શર્માનું કહેવુ છે કે ભલે થોડુ મોડુ થાય પણ ભૂમિપૂજન વડાપ્રધાન મોદી અયોધ્યા આવીને કરે કેમ કે સંતો સહિત આખો દેશ આવું ઇચ્છે છે.

(3:59 pm IST)