મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

કાલથી બેંકિંગ નિયમોમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર

આ ફેરફાર બેંકમાં જમા રકમ પર મળતા વ્યાજથી લઇને એટીએમથી પૈસા કાઢવા અને ઓછામાં ઓછું બેલેન્સ સાથે જોડાયેલ છે

નવી દિલ્હી, તા.૩૦: દેશમાં આગામી ૧ જૂલાઈથી બેંકિંગ નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યાં છે. આ ફેરફારોથી તમારા જીવન પર ઘણી અસર પડવાની સંભાવના છે. આ ફેરફાર બેંકમાં જમા રકમ પર મળતા વ્યાજથી લઇને એટીએમથી પૈસા કાઢવા અને ઓછામાં ઓછું બેલેન્સ સાથે જોડાયેલ છે.

બુધવારથી તમામ બેંકોના ખાતેદારોને એટીએમથી કેસ ટ્રાન્જેકશન કરવા પર કોઈ પ્રકારની છૂટ મળશે નહીં. પહેલાની જેમ દર મહિને માત્ર મેટ્રો સીટીમાં ૮ અને નોન મેટ્રો સીટીમાં ૧૦ ટ્રાન્જેકશન જ લોકો કરી શકશે. કોરોના વાયરસના કારણે પહેલા લોકોને એટીએમથી અમર્યાદિત રકમ ઉપાડવાની સુવિધા આપવામાં આવી હતી.

સરકારે હાલ ૩૦ જૂન સુધી બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવાની સુવિધા આપી હતી. જો કે, હવેથી આ સુવિધા પણ મળવાની બંધ થઈ જશે. એવામાં ખાતેદારોને તેમની બેંકોના નિયમ અનુસાર હિસાબથી દર મહિને બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવું પડશે. ઓછામાં ઓછું મહિનાનું બેલેન્સ મેન્ટેન રાખવાની જરૂરીયાતને લોકડાઉન દરમિયાન દૂર કરવામાં આવી હતી. મેટ્રો સીટી, શહેર અને ગ્રામિણ વિસ્તારમાં જૂદા જુદા મિનિમમ બેલેન્સ ચાર્જ લાગે છે.

સૌથી મોટો ફટકો ગ્રાહકોને ખાતા પર મળતા વ્યાજ પર પડ્યો છે. મોટાભાગની બેંક બચત ખાતામાં મળતા વ્યાજમાં ઘટાડો કરી દેશે. પંજાબ નેશનલ બેંકના ખાતેદારોને મળતા વ્યાજમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવશે, જયારે અન્ય સરકારી બેંકોમાં પણ મહત્મ ૩.૨૫ ટકા વ્યાજ મળશે.

આ સાથે જ ૧ જૂલાઇથી કેટલીક બેંકોમાં ડોકયૂમેન્ટ જમા નહીં કરાવા પર લોકોના ખાતા ફ્રીઝ કરવામાં આવશે. બેંક ઓફ બરોડાની સાથે જ વિજયા બેંક અને દેના બેંકમાં પણ આ નિયમ લાગુ થયા છે. ઉલ્લેખનીય છે કે, વિજયા અને દેના બેંકને બેંક ઓફ બરોડામાં મર્જ કરવામાં આવી છે.

(11:48 am IST)