મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

આશાનું કિરણ

ભારતમાં કોરોનાની પ્રથમ વેકિસનના કિલનિકલ ટ્રાયલને મળી મંજૂરી

નવી દિલ્હી, તા.૩૦: ભારતમાં કોરોનાના વાયરસના વધી રહેલા જીવલેમ સંક્રમણ વચ્ચે આજે એક સારા સમાચાર આવ્યા છે. ભારતની કોવિડ-૧૯ની સંભવિત વેકિસન કોવાકિસનના દવા નિયામક ડીજીસીઆઇ તરફથી પ્રથમ અને બીજા તબક્કાની માટે માનવ પર કિલનિકલ ટેસ્ટિંગની મંજૂરી મળી ચૂકી છે. આ વેકિસનને ભારત બાયોટેકે વિકસાવી છે. આ વેકિસનનું મનુષ્ય પર ટેસ્ટિંગ ચાલુ વર્ષે જુલાઇથી શરૂ કરવાની યોજના છે.

આ વેકિસનને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના સહયોગથી વિકસીત કરાઇ છે. વાયરસના સ્ટ્રેનને પૂના સ્થિત એનઆઇવીમાં આઇસોલેટ કરાઇ હતી અને ભારત બાયોટેકને મોકલાઇ હતી, જયાં આ સ્વદેશી વેકિસનને વિકસીત કરાઇ છે.

નોંધનિય છે કે, હાલ દુનિયાભરમાં કોરોના વાયરસની ૧૦૦થી વધારે વેકિસન ઉપર કામગીરી ચાલી રહી છે પરંતુ હજી સુધી તેમાં સફળતા મળી નથી. આજે જ ચીનમાં પણ એક વેકિસનને સૈન્ય ઉપયોગની મંજૂરી અપાઇ છે. આ વેકિસનને ચીની સેનાના રિસર્ચ યુનિટ અને કૈનસિનો બાયોલોજિકસે વિકસીત કરી છે.

આ Ad5-nCoV વેકિસન ચીનની તે આઠ સંભવિત વેકિસનમાં શામેલ છે જેમને મનુષ્યો પર ટ્રાયલની મંજૂરી મળી છે. અલબત કૈનસિનો એ કહ્યુ કે, હાલ આ વેકિસન માત્ર સૈન્ય પ્રયોગની માટે છે કારણ કે, લોજિસ્ટિકસ વિભાગની મંજૂરી વગર તેનો વ્યાપક સ્તરે ઉપયોગ કરી શકાય નહીં.

(11:47 am IST)