મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

હવે સરકારી વિભાગો નહીં ખરીદે ચીની સામાન

ગ્રાહક બાબતોના મંત્રાલય પછી બીજા મંત્રાલયો પણ આપી શકે છેઃ ચીની વસ્તુઓ ન ખરીદવાના આદેશ

નવી દિલ્હી,તા.૩૦: ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રાલય પછી હવે અન્ય મંત્રાલયો પણ પોતાના વિભાગોને ગવર્નમેન્ટ ઇ-માર્કેટપ્લેસ (GEM) અને અન્ય પ્રક્રિયા દ્વારા ચીની સામાન ન ખરીદવાનો આદેશ બહાર પાડી શકે છે. સુત્રો અનુસાર, બધા મંત્રાલયો એક સાથે આ આદેશ બહાર નહીં પાડે. તે તબક્કાવાર રીતે કરવામાં આવશે. મંત્રાલયોના વિભાગોએ અત્યાર સુધીમાં GEM પ્લેટફોર્મના માધ્યમથી જે ઓર્ડરો આપ્યા છે. તેની ગણત્રી કરવામાં આવશે. આગળનો ઓર્ડર કયાં સુભીમાં આપવાનો છે તેની જરૂરિયાતના હિસાબથી મંત્રાલયો પોતાના વિભાગોને આદેશ બહાર પાડશે. તેને મેક ઇન ઇન્ડિયા સાથે સીધુ જોડવામાં આવશે.

GEM ઉપર વેચાતા ઉત્પાદનો પર ઉત્પાદક દેશનું નામ જણાવવું ફરજીયાત કરી દેવાયું છે. હવે એવુ વિચારાઇ રહ્યું છે કે,GEM  સિવાયના અન્ય માધ્યમોથી પણ જે કંઇ ખરીદી થાય છે, તેમાં ચીની માલને બહાર રાખવામાં આવે.

સુત્રોએ જણાવ્યું કે ચીન સાથેના વેપારને સીમિત કરવા માટે સરકાર બધા પાસાઓ ચકાસીને આગળ વધી રહી છે. આગામી સમયમાં ઘણાં સેકટરોમાં ચીની કંપનીઓને બોલી લગાવવાની દૂર રાખી શકાય છે. જે સેકટરોમાં ચીની કંપનીઓનું ૫૦ ટકાથી વધારે રોકાણ છે, તે સેકટરોમાં ઘરેલુ કંપનીઓને વધારવામાં આવશે. રીન્યુઅલ એનર્જી સેકટરમાં ચીની કંપનીઓનું રોકાણ ૭૦ ટકાથી વધારે છે. એટલે સરકાર ટૂંક સમયમાં રિન્યુઅલ એનર્જી માટે નવી પોલીસી લાવી શકે છે. તેમાં ઘરેલુ કંપનીઓને રિન્યુઅલ એર્ન્જી પ્લાંટ બનાવવા માટે સરકારી નાણાંકીય સહાય આપવામાં આવશે. સાથે જ ઉપકરણ બનાવવાના યુનીટો ચાલુ કરવા પ્રોત્સાહન અપાશે.

(11:46 am IST)