મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

કોરોનાની પોઝિટિવ ઇફેકટ : લોકો ઓનલાઇન ખરીદીમાં અગ્રેસર બન્યા : વેપારની ગાડીએ રફતાર પકડી

હવે દેશભરમાં નાના વેપારીઓ પણ મોબાઇલ એપથી ઓનલાઇન વેપારમાં જોડાવા માંડયા : ઓનલાઇન ખરીદીમાં દેશના ૧૦ શહેરોમાં બેંગ્લોર ટોપ ઉપર : અમદાવાદ હાલ ૮માં ક્રમે

બેંગ્લોર તા. ૩૦ : કોરોના મહામારીએ ભલે લોકોને ખૂવાર કરી નાખ્યા પણ દેશના ઓનલાઇન કારોબાર ઉપર તેની હકારાત્મક અસર થયાનું નોંધનીય બન્યું છે.

એક બાજુ મોલ - બજારોમાં વેપાર બાબતે કાગડા ઉડે છે, તો ઘરેલુ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઉપર વેપારમાં કોરોના પહેલા જે સ્થિતિ હતી તે પૂર્વવત બન્યાનું બહાર આવ્યું છે.

હવે તો નાના દુકાનદારોએ પણ મોબાઇલ એપ મારફત ઓનલાઇન ધંધો શરૂ કરી દિધો છે, અને એ ઉપરાંત કેટલીય મોટી કંપનીઓએ આ ઓનલાઇન વેપારમાં અંદાજે ૪ અબજ ડોલરના રોકાણની યોજના પણ જાહેર કરી દિધી છે.

હવે તો લોકો ઇ-પોર્ટલ ઉપર ખરીદી સમયે ભાવ અને ડિલીવરી તારીખ જોઇને ખરીદી કરી રહ્યા છે.

તાજેતરમાં એક ઓનલાઇન કંપનીએ પોતાના ધંધાને ત્રણ નવી ભાષાઓ તમીલ - તેલુગુ અને કન્નડ ભાષા સાથે જોડી દિધો છે, જેથી આ લોકો સુધી વેપાર પહોંચાડી શકાય.

દેશના ૧૦ મોટા શહેરોનો સર્વે જોઇએ. ઓનલાઇન ખરીદીમાં બેંગ્લોર ૧૫ ટકા સાથે ટોપ ઉપર ઉપરાંત દિલ્હી ૧૩ ટકા, મુંબઇ ૯ાા ટકા, હૈદ્રાબાદ ૭ાા ટકા, ચેન્નાઇ ૬.૭૫ ટકા, પુના ૫.૪૦ ટકા, કોલકત્તા ૩.૯૫ ટકા, અમદાવાદ ૨ાા ટકા, નોએડા ૨.૨૧ ટકા, ચંદીગઢમાં ૧.૮૦ ટકા લોકો ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે.

કોરોનામાં આ પોઝીટીવ ઇફેકટને કારણે ઓનલાઇન વેપાર વિશ્વભરમાં ૩૦ અબજ ડોલરથી વધી ૮૫ અબજ ડોલર સુધી પહોંચી જાય તેવી સંભાવના છે.

(11:44 am IST)