મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

સમગ્ર મુંબઈના મહત્વના સ્થળોની સુરક્ષામાં પણ વધારો

મુંબઈની તાજ હોટલને ફુંકી મારવા પાકિસ્તાનથી ધમકી ભર્યો ફોન કોલ આવતા ખળભળાટઃ સુરક્ષા વધારી દેવાઈ

મુંબઈ, તા. ૩૦ :. મુંબઈની સુપ્રસિદ્ધ તાજ હોટલને ફુંકી મારવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે. આ ધમકી એક ફોન કોલ પર આપવામાં આવી હતી. હોટલ તાજ ઉપરાંત મુંબઈની હોટલ કોલાબા અને તાજ લેન્ડસ એન્ડને પણ ધમકી ભર્યો ફોન મળ્યો હતો.

જાણવા મળે છે કે આ ફોન કોલ ગઈરાત્રે ૧૨.૩૦ કલાકે પાકિસ્તાનથી આવ્યો હતો. ધમકી બાદ હોટલોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મળતા અહેવાલો મુજબ પાકિસ્તાનથી ત્રાસવાદી હુમલાની ધમકી આપવામાં આવી હતી. ધમકી બાદ પોલીસે તપાસ પણ શરૂ કરી છે. કોલ ડીટેઈલની વિગતો તપાસવામાં આવી રહી છે.

પોલીસે આ હોટલો ઉપરાંત મુંબઈના મહત્વના સ્થળોની સુરક્ષા પણ વધારી દીધી છે. આ ધમકી ભર્યા કોલને પગલે દરીયામાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

અત્રે એ નોંધનીય છે કે ૨૦૦૮માં ત્રાસવાદીઓએ તાજ હોટલને નિશાના પર લીધી હતી.

(11:32 am IST)