મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

ટ્રક માલભાડા ૧૦ થી ૧૫ ટકા વધ્યા

ડીઝલનાં ભાવ વધારાની અસર : મોંઘવારી વધુ વધવાના એંધાણ

મુંબઇ તા. ૩૦ : માલભાડામાં કેટલાક મહિનાની મંદી પછી મુખ્ય માર્ગો પર માલ પરિવહનના દરોમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો થયો છે. તેનું મુખ્ય કારણ છેલ્લા કેટલાક દિવસોમાં ડીઝલના વધેલા ભાવ છે. ડીઝલની કિંમતોમાં વધારાનો સીધો સંબંધ માલ પરિવહનના દરો સાથે છે. ટ્રાન્સપોર્ટરોના પરિચાલનના કુલ ખર્ચમાં ડીઝલનો હિસ્સો ૬૫ ટકાથી વધારે હોય છે.

દિલ્હીમાં ૨૬ જૂને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ક્રમશઃ ૨૭ પૈસા અને ૧૭ પૈસા પ્રતિ લીટરે વધ્યા પછી બંનેના ભાવ ૮૦ રૂપિયાની બહાર નીકળી ગયા. ઇન્ડીયન ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ (આઇએફટીઆરટી) અનુસાર આ વધારા સાથે માલ પરિવહનના દરો લોકડાઉન પહેલાની તુલનામાં વધી ગયા છે. આઇએફટીઆરટીના સીનીયર ફેલો એસ.પી.સિંહે કહ્યું કે, અમુક રૂટ પર પરિવહનના દરોમાં ૨૦ ટકાથી પણ વધારે વધારો થઇ ગયો છે.

તેમણે કહ્યું કે ડીઝલનો ભાવ વધારો ભાડા વધારવાની એક તક લાવ્યો છે. આની સીધી અસર મોંઘવારી પર પડશે કેમકે ભાવ શ્રૃંખલામાં વધતો કોઇ પણ ખર્ચ છેવટે તો ગ્રાહકો પર જ આવવાનો છે. ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઇએમટીસી)ની મુખ્ય સમિતિના ચેરમેન બલમલકિત સિંહે કહ્યું કે, ડીઝલના ભાવ વધારાથી કોઇને ફાયદો નથી થઇ રહ્યો, ન તો ટ્રાન્સપોર્ટરોને લાભ છે કે ન તો તેની સેવાનો ઉપયોગ કરનારને.

(10:08 am IST)