મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે ૧૮ લાખ કરોડની કમાણી કરી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આરોપઃ સરકારે લાભ આપવાના બદલે પ્રજાની કેડ ભાંગી નાખી

નવી દિલ્હી, તા. ૩૦ :. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોને લઈને કોંગ્રેસે ગઈકાલે દેશભરના જિલ્લા મથકોએ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ દેખાવો કર્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યુ છે કે સરકારે લાભ આપવાના બદલે પેટ્રોલ-ડીઝલ પર બાર વખત એકસાઈઝ ડયુટી વધારી આનાથી સરકારને લગભગ ૧૮ લાખ કરોડ રૂપિયાની વધારાની રકમ મળી છે. સરકારે આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ.

સોનિયા ગાંધીએ કહ્યુ છે કે કોરોના મહામારી અને આર્થિક સંકટ વચ્ચે ઈંધણનો ભાવ વધારો ઘા ઉપર મીઠુ ભભરાવવા જેવો છે. સરકારે ક્રૂડના ઘટતા ભાવનો લાભ આપવાના બદલે પ્રજાને ખંખેરવાનુ નક્કી કર્યુ છે જે અન્યાયી છે.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ કહ્યુ છે કે સરકારે કટોકટીના સમયમાં ગરીબોની મદદ નથી કરી. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી લોકોને આંચકો આપ્યો છે. તો બીજી તરફ કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ છે કે કોંગ્રેસ શાસિત રાજસ્થાન, પંજાબ, મહારાષ્ટ્ર, ઝારખંડ અને પોન્ડીચેરીની સરકારોએ ત્યાંની જનતા પર પાંચ પાંચ રૂ. ટેકસનો ભાર નાખ્યો છે. સરકારે ટેકસ વધારી તિજોરી નથી ભરી. અમે ગરીબોના ખાતામાં કરોડો રૂપિયા ડીબીટી થકી આપી રહ્યા છે.

(10:06 am IST)