મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

ગુજરાતમાં વેપાર-ધંધાને વધુ છૂટછાટની તૈયારી

દુકાનો-બજારો સાંજે ૭ વાગ્યાના બદલે રાત્રિના ૮ કે ૯ સુધી ખુલી રખવાની મંજૂરી મળવાની શકયતાઃ રેસ્ટોરન્ટને પણ મળશે થોડી છૂટછાટ : રાજ્ય સરકાર સાંજ સુધીમાં નવી માર્ગદર્શિકાઓ જાહેર કરશેઃ રાત્રિનો કર્ફયુ ૧૦થી ૫ સુધીનો જ રહેશે

અમદાવાદ તા.૩૦: ગઇકાલે સાંજે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-૨ની ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવ્યા બાદ હવે આજે ગુજરાત સરકાર પણ પોતાની માર્ગદર્શિકાઓ સાંજ સુધીમાં જાહેર કરશે. જાણવા મળતી વિગતો અનુસાર ગુજરાત સરકાર વેપાર-ધંધાને સમયમાં વધુ છૂટછાટ આપે તેવી શકયતા છે. હાલ દુકાનો-બજારો વગેરે સાંજે ૭ વાગ્યે બંધ કરી દેવાનો નિયમ છે તેમાં ૧ થી ૨ કલાકનો વધારો જાહેર કરવામાં આવે તેવી શકયતા છે. એટલે કે આ બધાને સાંજે ૭ના બદલે રાત્રિના ૮ કે ૯ સુધી કામકાજની છૂટ આપવામાં આવશે.

આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગુજરાત સરકાર મોટાભાગે કેન્દ્રની ગાઇડલાઇન્સ અનુરૂપ જ પોતાની માર્ગદર્શિકાઓ જાહેર કરશે. રાત્રિના કર્ફયુ ૧૦થી સવારના ૫ સુધીનો જ રહેશે. માત્ર જરૂરી સેવાઓને જ તેમાં છૂટ મળશે. કેન્દ્રની ગાઇડલાઇન્સ અનુસાર ગુજરાતમાં પણ શાળા-કોલેજો, રેલ્વે, સિનેમા, સ્વીમીંગ પુલ, જીમ વગેરે ૩૧મી જુલાઇ સુધી બંધ રહેશે.

કેન્દ્ર સરકારે ૩૧મી જુલાઇ સુધી અમલી બને તે રીતે ગાઇડલાઇન્સ જારી કરી છે તે અત્રે નોંધનીય છે. ગુજરાત સરકાર હાલ કેન્દ્રની ગાઇડલાઇન્સનો અભ્યાસ કરી રહી છે અને રાત સુધીમાં જાહેરાત કરવામાં આવશે.

અત્રે એ નોંધનીય છે કે, ગુજરાતમાં વેપાર-ધંધા પુનઃ ધમધમતા થાય સાથોસાથ કોરોના પણ કાબુમાં રહે તેવું રાજ્ય સરકારનું વલણ છે. અત્રે એ પણ નોંધનીય છે કે, અનેક એસોસિએશનો દ્વારા વેપાર-ધંધા ચાલુ રાખવાના સમયમાં વધુ છૂટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. એટલું જ નહીં હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ દ્વારા પણ છૂટછાટની માંગણી કરવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે, સરકાર કેટલા કલાકની વધુ છૂટછાટ આપે છે.

સરકારનું સ્પષ્ટ કહેવું છે કે સોશ્યલ ડિસ્ટેન્સનું અને માસ્ક પહેરવાનું ચુસ્ત રીતે અમલી થવું જોઇએ.

(11:29 am IST)