મુખ્ય સમાચાર
News of Tuesday, 30th June 2020

આજે ૪ કલાકે પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

ચીન અંગે મોટું એલાન કરવાની સંભાવના : અનલોક ૨.૦ અંગે પણ પ્રજાને કરશે અપીલ

નવી દિલ્હી તા. ૩૦ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે ૪ કલાકે રાષ્ટ્રના નામે સંબોધન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે સોમવારે આ જાણકારી આપી. તમને જણાવી દઈએ કે, પીએમ મોદીનું આ સંબોધન એવા સમયે કરવામાં આવશે જયારે દેશમાં કોરોના વાયરસના કેસ પાંચ લાખથી વધારે થઈ ગયા છે, અને બીજી બાજુ ભારત-ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે.

દેશમાં એક જુલાઈથી અનલોકનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે, એવામાં પીએમ મોદીનું દેશના નામે સંબોધન પણ ખૂબ મહત્વપૂર્ણ હોઈ શકે છે. પ્રધાનમંત્રી મોદીએ અનલોકના પહેલો તબક્કો શરૂ થયા બાદ ઈન્ડીયન ચેમ્બર ઓફ કોમર્સના એક કાર્યક્રમમાં સામેલ થઈ દેશને સંદેશ આપ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર ૨૧ જૂને પણ સંબોધિત કરી ચુકયા છે., કોરોના વાયરસનો પ્રકોપ ફેલ્યા બાદ પીએમ મોદીનું આ દેશના નામે છઠ્ઠુ સંબોધન હશે. ગત વખત પીએમ મોદીએ ૧૨ મેના રોજ રાષ્ટ્રના નામે સંબોધન કર્યું હતું.

જેમાં તેમણે ૨૦ લાખ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજનું એલાન કર્યું હતું. આ પહેલા ૧૪ એપ્રિલે પીએમએ પોતાના સંબોધનમાં લોકડાઉનના બીજા તબક્કાની જાહેરાત કરી હતી. તો ૩ એપ્રિલે પીએમ મોદીએ એક વીડિયો સંદેશો જાહેર કરી લોકોને દીપ પ્રગટાવવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ કોરોના વાયરસને ધ્યાનમાં રાખી લગાવવામાં આવેલા લોકડાઉનની જાહેરાત કરવા માટે ૨૪ માર્ચે દેશને સંબોધિત કર્યું હતું. ૧૯ માર્ચે પ્રધાનમંત્રીએ આ સંકટ બાદ પોતાના પ્રથમ સંબોધનમાં દેશમાં એક દિવસનું જનતા કરફયૂની જાહેરાત કરી હતી.

મન કી બાતમાં પીએમ મોદીએ રવિવારે પોતાના માસિક રેડિયો પ્રોગ્રામ મન કી બાત દ્વારા પણ દેશના લોકો સાથે પોતાના વિચાર શેર કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ભારતે હંમેશાથી સંકટોને સફળતાની સીડીમાં પરિવર્તિત કર્યું છે, આફતો તથા પડકારો પર જીત મેળવી છે અને ભારત પહેલા કરતા પણ વધારે ઉત્સાહિત થઈ બહાર આવે છે. પીએમએ આશા વ્યકત કરી છે કે, તમામ પડકાર છતા દેશ આ વર્ષે નવું લક્ષ્ય પ્રાપ્ત કરશે, નવી ઉડાન ભરશે અને નવી ઊંચાઈઓ સુધી પહોંચશે.

(11:41 am IST)