મુખ્ય સમાચાર
News of Saturday, 30th May 2020

કોઇ આફત દેશનું ભવિષ્ય નક્કી કરી શકે નહી : દેશ પરિશ્રમથી આત્મનિર્ભરતા તરફ આગળ વધશે

મોદી સરકારે ૧ વર્ષનું રિપોર્ટ કાર્ડ દેશ સમક્ષ મુકયું : દેશના નામે લખ્યો પત્ર

નવી દિલ્હી તા. ૩૦ : વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપના વડપણ હેઠળની એનડીએ સરકાર પાર્ટ-૨ ને એક વર્ષ પુરૂ થતા વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને નામ એક પત્ર લખી દેશવાસીઓ પ્રત્યે કૃતજ્ઞત્વની લાગણી વ્યકત કરીને પોતાની સરકારની સિદ્ઘિઓ વર્ણવી હાલની કોરોના મહામારીના સંદર્ભમાં જણાવ્યું હતું કે આપતિઓ ભારતનું ભવિષ્ય નકકી નથી કરી શકતી, આપણે આગળ વધશુ પ્રગતિના પથ પર દોડશુ અને વિજયી બનશું.

વડાપ્રધાને દેશવાસીઓને ઉદેશીને પત્રમાં લખ્યુ છે કે મારા પ્રિય સ્નેહીજનો, ગત વર્ષમાં આપના સ્નેહ, આર્શીવાદ અને સક્રિય સહયોગ અને નિરંતર એક નવી ઉર્જા નવી પ્રેરણા આપી છે.આ દરમ્યાન આપે લોકશાહીની જે સામુહીક શકિતના દર્શન કરાવ્યા છે તે આજે પુરા વિશ્વ માટે એક ઉદાહરણ બન્યા છે. મોદીએ પત્રમાં વધુમાં જણાવ્યું હતુ કે વર્ષ ૨૦૧૪ માં આપે દેશની જનતાને દેશમાં એક મોટા પરિવર્તન માટે વોટ આપ્યા હતા. દેશની નીતિ અને રીતિ બદલવા માટે વોટ આપ્યા હતા.તે પાંચ વર્ષમાં દેશે વ્યવસ્થાઓને જડતા અને ભ્રષ્ટાચારમાથી બહાર નિકળતો જોયો છે.એ પાંચ વર્ષમાં દેશે અંત્યોદયની ભાવના સાથે ગરીબોનું જીવન સરળ બનાવવા માટે ગર્વનસને ફેરફાર થતી જોઈ છે.

એ કાર્યકાળમાં જયાં વિશ્વમાં ભારતની આન બાન શાન વધી તો અમે ગરીબોના બેન્ક ખાતા ખોલી, તેમને મફતમાં વીજળી કનેકશન આપીને શૌચાલય બનાવડાવીને ઘર બનાવડાવીને ગરીબની ગરીમા વધારી હતી.

વડાપ્રધાને પત્રમાં પાક પરની સર્જીકલ સ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો હતો. એ કાળમાં સર્જીકલ સ્ટ્રાઈક થઈ હતી એર સ્ટ્રાઈક થઈ હતી. આ તકે કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦ ની નાબુદીને યાદ કરતા મોદીએ લખ્યુ હતું કે રાષ્ટ્રીય એકતા-અખંડતા માટે આર્ટીકલ ૩૭૦ ના વાત હોય કે સદીઓ પુરાણા રામ મંદિર નિર્માણની વાત હોય કે આધુનિક સમાજ વ્યવસ્થામાં રૂકાવટ બનેલી ટ્રીપલ તલ્લાક હોય કે ભારતની કરૂણાનું પ્રતિક નાગરિકતા સંશોધન કાયદો હોય આ બધી સિધ્ધિઓ આપને યાદ હશે.

વડાપ્રધાને પત્રમાં જણાવ્યું હતું કે એક પછી એક આ ઐતિહાસીક નિર્ણયો દરમ્યાન અનેક ફેસલાઓ અનેક ફેરફારો એવા પણ છે જેમણે ભારતની વિકાસ યાત્રાને નવી ગતિ આપી છે.નવા લક્ષ્યો આપ્યા છે. લોકોની અપેક્ષાઓને પુરી કરી છે. આ તકે વડાપ્રધાને મિશન ગગનયાનનો ઉલ્લેખ કરતાં લખ્યુ હતું કે મિશન ગગનયાન માટે ભારતે તૈયારીઓ તેજ કરી છે. આ દરમ્યાન ગરીબોને ખેડુતોને, મહિલાઓને સશકત કરવા અમારી પ્રાથમીકતા છે.

મોદીએ પત્રમાં જણાવ્યું હતું કે સરકારની નીતિઓ અને નિર્ણયોનાં કારણે શહેરો અને ગામડા વચ્ચેની ખાઈ ઓછી થઈ રહી છે. પહેલીવાર એવુ થયુ કે જયારે ગામડામાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યા શહેર કરતા ૧૦ ટકા વધુ થઈ છે. મોદીએ લખ્યુ કે દેશહિતમાં કરવામાં આવેલા આ ઐતિહાસીક કાર્યો અને નિર્ણયોની યાદી ઘણી લાંબી છે.

આ તકે વડાપ્રધાન મોદીએ કોરોના મહામારીનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કોરોના વૈશ્વિક મહામારીએ ભારતને પણ ઘેરી લીધો છે. અનેક લોકોએ શંકા વ્યકત કરી હતી કે જયારે ભારત પર કોરોના હુમલો કરશે તો ભારત પુરી દુનિયા માટે સંકટ બની જશે પણ પણ આજે દરેક દેશવાસીઓ ભારતને જોવાનો દ્રષ્ટિકોણ જ બદલી નાખ્યો છે.

આપણા શ્રમિક સાથીઓ, પ્રવાસી મજુર ભાઈ-બહેનો, રેકડી ચલાવનારાઓ, નાના ઉદ્યોગોમાં કામ કરતા મજુરો, દુકાનદાર ભાઈ અને સૌએ અસીમીત કષ્ટ સહન કર્યું છે.તેમની પરેશાનીઓ દૂર કરવા સૌ હળીમળીને તૈયારી કરી રહ્યા છે. પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે જીવનમાં થઈ રહેલી આ અસુવિધા આફત ન બની જાય.આના માટે પ્રત્યેક ભારતીયે દિશા-નિર્દેશન પાલન કરવુ જરૂરી બની જાય છે.

આ તકે વડાપ્રધાને પત્રમાં આત્મ નિર્ભર ભારત અભિયાન માટે ૨૦ લાખ કરોડ રૂપિયાનાં પેકેજનો ઉલ્લેખ કરી આ પગલાને મહત્વનું ગણાવ્યુ હતું. મોદીએ પત્રમાં પૂરા જોશથી દેશવાસીઓને આહવાન કર્યુ હતું કે અમે અમારૂ વર્તમાન પણ ખુદ નકકી કરશુ અને ભવિષ્ય પણ અમે આગળ વધશું, પ્રગતિનાં પથ પર દોડશું વિજયી થશું.

(3:44 pm IST)