મુખ્ય સમાચાર
News of Saturday, 30th May 2020

લોકડાઉન ૫.૦માં છૂટછાટોની થશે વર્ષાઃ મોલ્સ, રેસ્ટોરન્ટને મળશે મંજુરી

૧૫ જૂન સુધી વધી શકે છે લોકડાઉન ૫.૦: પ્રતિબંધો ૧૩ મોટા શહેરો પુરતા સીમિત રહેશેઃ કેન્દ્રની ભૂમિકા હવે ઓછી રહેશેઃ રાજ્યોને નિર્ણયો લેવાની મળશે સત્તા : દુકાનો-બજારો મોડે સુધી ચાલુ રાખી શકાશેઃ મંદિરો પણ ભાવિકો માટે ખુલશેઃ જો કે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવુ પડશેઃ આજે કદાચ જાહેર થશે ગૃહ મંત્રાલયની ગાઈડ લાઈન્સ

નવી દિલ્હી, તા. ૩૦ :. કોરોના સંક્રમણને કારણે દેશમાં લાદવામાં આવેલા લોકડાઉનના ચોથા તબક્કાનો આવતીકાલે અંત આવી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર નવી ગાઈડ લાઈન્સ તૈયાર કરી રહી છે. જે અંતર્ગત ૧લી જૂનથી દેશના મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉનના પ્રતિબંધો મોટાભાગે સમાપ્ત થઈ જશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશના ૧૩ શહેરોને બાદ કરતા તમામ વિસ્તારોમાંથી પ્રતિબંધો હટી જશે. હોટલો, મોલ્સ અને રેસ્ટોરન્ટને પણ ૧લી જૂનથી મંજુરી આપવામાં આવે તેવી શકયતા છે. આ અંગેના દિશાનિર્દેશો જાહેર થાય તેવી શકયતા છે.

ગુરૂવારે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગૃહમંત્રી શાહે વાતચીત કરી હતી તે પછી ગઈકાલે તેમણે પીએમ મોદી સાથે પણ ચર્ચા કરી હતી. બન્નેએ નવી ગાઈડ લાઈન્સને લઈને મંથન કર્યુ હતું. આવતા ૧૫ દિવસ માટે દેશભરમાં લાગુ થનાર દિશાનિર્દેશોને જારી કરવામાં આવશે. જે ૧૩ શહેરોમાં પ્રતિબંધો રહેશે તે દિલ્હી, મુંબઈ, અમદાવાદ, પૂણે, થાણે, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકતા, ઈન્દોર, જયપુર, જોધપુર, ચેન્ગલપટ્ટુ અને તિરૂવલુર છે.

હોટલ, મોલ્સ, રેસ્ટોરન્ટને પણ ૧લી જૂનથી ખોલવાની મંજુરી મળે તેવી શકયતા છે. જો કે હોટલોને તબક્કાવાર રીતે ખોલવામાં આવશે. હાલ દેશમાં હોસ્પીટાલીટી સર્વિસ સાવ બંધ છે. આવતીકાલે પીએમ મોદી મન કી બાતમાં આવતા તબક્કાને લઈને કેટલીક સ્પષ્ટતા કરે તેવી શકયતા છે. ૧લી જૂનથી મોટાભાગની પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા નિયમો સાથે શરૂ થઈ જશે. આ સિવાય ધાર્મિક ગતિવિધિ, પરિવહન અને વ્યાપાર સંબંધી છૂટછાટો આપવામાં આવશે. સ્કૂલ ખોલવા અંગેનો નિર્ણય જે તે રાજ્યો પર છોડવામાં આવશે. જો કે સોશ્યલ ડીસ્ટન્સ, માસ્ક વગેરે ફરજીયાત બનશે. હોટસ્પોટ સિવાયના વિસ્તારોમાં ઘણી બધી છૂટછાટો જાહેર થશે. હોટસ્પોટમાં ૧૫ દિવસ લોકડાઉન લંબાવાય તેવી શકયતા છે.

નવા લોકડાઉન ૫.૦માં રાજયોની જવાબદારી વધી જવાની છે. બજારો અને દુકાનો ખોલવાના મામલામાં વધુ રાહતો મળશે. દુકાનો મોડે સુધી ચાલુ રાખી શકાશે. ડોમેસ્ટીક વિમાનની સેવા પણ વધશે.

કોરોનાને રોકવા પહેલીવાર ૨૪ માર્ચે ૨૧ દિવસ પછી ૩જી મે સુધી અને બાદમાં ૧૭ મે સુધી અને છેલ્લે ૩૧મી મે સુધી લોકડાઉન વધારવામાં આવ્યુ હતું. સરકાર હવે કન્ટેનમેન્ટ ઝોનમાં પ્રતિબંધો લાગુ રાખશે અને બાકીના વિસ્તારોને ખોલવા મંજુરી આપશે. રેસ્ટોરન્ટ ૫૦ ટકા લોકો સાથે ખોલવાની મંજુરી મળે તેવી શકયતા છે.

(10:48 am IST)