મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

રેટિંગ એજન્સી મૂડીઝનો મોદી સરકારને ઝટકો : જીડીપી વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 7,3 ટકા કર્યું

ક્રૂડ ઓઇલના ભાવમાં આગઝરતી તેજી અને આર્થિક સકડાંમણને જવાબદાર

મુંબઇ: ભારતના આર્થિક વિકાસદર બાબતે ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ અને રેટિંગ એજન્સી મૂડીઝે તેના ઇન્વેસ્ટર્સ સર્વિસિસ રિપોર્ટમાં વર્ષ 2018 માટેના ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ અગાઉના 7.5 ટકાથી ઘટાડીને 7.3 ટકા કર્યો છે.

વિકાસદરનો અંદાજ ઘટાડવા બદલ મૂડીઝે ક્રૂડ ઓઇલના ભાવમાં આગઝરતી તેજી અને આર્થિક સકડાંમણને જવાબદાર ગણાવી છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતીય અર્થતંત્ર ઇન્વેસ્ટમેન્ટ અને કન્ઝમ્પશન બંને પરિબળો મારફતે રિકવરીના પંથે આગળ વધી રહ્યું છે. જો કે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો અને વધતી જતી આર્થિક સકડાંમણ જેવા પરિબળો વિકાસદરમાં અવરોધરૂપ બનશે. બાબતોને ધ્યાનમાં રાખતા ચાલુ વર્ષે ભારતનો વિકાસદર 7.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. જ્યારે અગાઉ 7.5 ટકાના જીડીપી ગ્રોથની ધારણા મૂકી હતી.જો કે વર્ષ 2019માં ભારતનો વિકાસદર 7.5 ટકા રહેવાનો અંદાજ યથાવત્ રાખ્યો છે.

   મૂડીઝે વધુમાં જણાવ્યું કે, સ્થાનિક મોરચે, સામાન્ય વપરાશ અને કૃષિ પેદાશોના ઊંચા ટેકાના ભાવથી ગ્રામિણ વપરાશમાં વૃદ્ધિથી વિકાસને ત્વરિત લાભ મળશે. તો પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટની સાયકલ પણ ધીમી ગતિએ રિકવરીના પંથે આગળ વધી રહી છે.. જેમાં ઇન્સોલ્વન્સી અને બેનકરપ્સી કોડની એપ્લિકેશન તેમજ બેન્ક અને કોર્પોરેટ દ્વારા બેડ એસેટ્સના ઉકેલની કવાયતે મહત્વની ભૂમિકા ભજવી છે.

વધુમાં કહ્યું કે, નવી કરપ્રણાલી ગુડ્સ અને સર્વિસ ટેક્સનું સફળતાપૂર્વક સંચાલનથી આગામી કેટલાક ક્વાર્ટર સુધી વિકાસને વેગ મળી શકે છે

(10:39 pm IST)