મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

ઉત્તર-પશ્ચિમ ભારતમાં સૌથી વધુ વરસાદ મોનસુનમાં પડશે

પંજાબ, હરિયાણા, હિમાચલમાં વધુ વરસાદઃ હવામાન ઃ ઉત્તર-પશ્ચિમ ભારતમાં એલપીએના ૧૦૦, મધ્ય ભારતમાં ૯૯, ઉત્તર પૂર્વ ભારતમાં ૯૩ ટકા વર્ષા

નવીદિલ્હી,તા. ૩૦: દેશમાં મોનસુન સિઝનની એન્ટ્રી થઇ ગઇ છે તેવી જાહેરાત કર્યાના એક દિવસ બાદ હવામાન વિભાગે આજે આગાહી કરી હતી કે, ઉત્તર પશ્ચિમ ભારત પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, દિલ્હી અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જૂન-સપ્ટેમ્બરના ગાળા દરમિયાન સૌથી વધારે વરસાદ થશે. જુલાઈ મહિનામાં સૌથી વધારે વરસાદ નોંધાશે. વરસાદના સંદર્ભમાં આઈએમડીની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, મધ્ય ભારતમાં સામાન્ય વરસાદ થશે પરંતુ દક્ષિણી દ્વિપ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિળનાડુ, કેરળ અને પુડ્ડુચેરીમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થશે. ઉત્તર પૂર્વ ભારતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ આ ગાળા દરમિયાન થશે. દક્ષિણ પશ્ચિમ મોનસુન માટેની બીજી આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર પશ્ચિમ ભારતમાં ૧૦૦ ટકાની આસપાસ વરસાદ રહી શકે છે. મધ્ય ભારતના એલપીએના ૯૯ ટકા વરસાદ થશે. દક્ષિણી દ્વિપમાં એલપીએના ૯૫ ટકા અને ઉત્તરપૂર્વ ભારતમાં એલપીએના ૯૩ ટકા સુધીનો વરસાદ થશે. વરસાદમાં આઠ ટકાનો પ્લસ-માઇનસ રહી શકે છે. જો સરેરાશ વરસાદ એલપીએના ૯૬-૧૦૪ ટકા રહે છે તો તે સામન્ય ગણવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કેરળમાં ભારે વરસાદની શરૂઆત થઇ જતા તીવ્ર ગરમીથી લોકોને રાહત થઇ છે. દક્ષિણ પશ્ચિમ મોનસુન સમયથી પહેલા કેરળમાં પહોંચી જતાં આને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. આની સાથે જ ભારતમાં ચાર મહિના સુધી ચાલનાર વરસાદની સિઝનની શરૂઆત થઇ ગઈ છે. આગામી થોડાક સપ્તાહમાં તે ઉત્તર ભારત તરફ વધશે. ભારતીય હવામાન વિભાગે પણ આને સમર્થન આપી દીધું છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, કેરળમાં આજે દક્ષિણ પશ્ચિમ મોનસુને એન્ટ્રી કરી દીધી છે.

(10:03 pm IST)