મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને શરૂ થયેલી તીવ્ર રાજકીય રમત

ભાવમાં ઘટાડાની રાહુલ ગાંધી દ્વારા ઝાટકણી :૧૬ દિવસ સુધી ભાવ વધારો કરાયા બાદ ઘટાડો પુરતા પ્રમાણમાં નહીં હોવાની દલીલ : કેરળમાં રૂપિયાનો ઘટાડો

નવી દિલ્હી,તા. ૩૦ : પેટ્રોલ ડિઝલની કિંમતને લઇને ભારે હોબાળો થયેલો છે. આ મુદ્દે રાજકીય રમત પણ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ફ્યુઅલની કિંમતમાં એક પૈસાનો ઘટાડો કરવાની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિચાર હોઈ શકે છે જે કોઇને પણ ગમશે નહીં. આ બાળકબુદ્ધિનો નિર્ણય દેખાઈ રહ્યો છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતો આજે પ્રતિલીટર એક પૈસા ઘટાડવામાં આવી હતી. સતત ૧૬ દિવસથી અવિરત વધારો કરવામાં આવ્યા બાદ પ્રથમ ઘટાડો કરવામાં આવ્યો છે અને આ પણ એક પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પેટ્રોલની કિંમતમાં એક પૈસાનો ઘટાડો ફ્યુઅલ પડકારને લઇને કોઇ યોગ્ય જવાબ નથી. થોડાક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સંદર્ભમાં તેઓએ પડકાર ફેંક્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ફ્યુઅલ પડકારનો આ કોઇ જવાબ નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ૬૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે મધ્ય જૂનમાં દરરોજ ભાવ સુધારા માટેની જાહેરાત કરવામાં આવ્યા બાદથી પ્રથમ વખત ૬૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓ દ્વારા આજે સવારે પેટ્રોલની કિંમતમાં ૬૦ પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આની સાથે જ કિંમત ઘટીને લીટરદીઠ ૭૭.૮૩ થઇ હતી જ્યારે ડીઝલની કિંમતમાં ૫૬ પૈસાનો ઘટાડો કરવામાં આવતા તેની કિંમત દિલ્હીમાં ૬૮.૭૫ થઇ ગઇ હતી. લીટરદીઠ એક પૈસાને મંજુરી આપવામાં આવી હતી. બીજી બાજુ કેરળ સરકારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક રૂપિયા સુધીનો ઘટાડો કરી દીધો છે. કેરળ સરકારે આ નિર્ણય કરીને તમામને ચોંકાવી દીધા છે. રાજ્યના મુખ્યમંત્રી પી વિજયનને ટાંકીને આ મુજબના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા છે. જો કે, આ રાહત પહેલી જૂનથી અમલી કરવામાં આવનાર છે. જુદા જુદા રાજ્યો પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટ લાગૂ કરે છે. સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા તેના ઉપર એક્સાઇઝ ડ્યુટી પણ લાગૂ કરેલી છે. અગાઉ દિવસમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટમાં ભુલ દેખાઈ હતી જેમાં એક પૈસાના ઘટાડાની વાત કરવામાં આવી હતી. જો કે, ત્યારબાદ તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. મોડેથી કહેવામાં આવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ક્રમશઃ ૬૦ પૈસા અને ૫૬ પૈસાનો ઘટાડો કરાયો છે.

(7:28 pm IST)