મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

મુંબઇમાં જીવનની અંતિમ ક્ષણોમાં સફાઇ કામદારને થઇ પરિવારની ચિંતા

મુંબઇઃ શહેરમાં બનેલી અેક કરૂણ ઘટનાથી ભારે શોક છવાઇ ગયો છે. કારણ કે, મોતના મુખમાં જઇ રહેલા વ્‍યકિતઅે પોતાના પરિવારની ચિંતા કરીને ફોન કરીને તેના ભાઇને પરિવાર માટે બેન્‍કમાંથી રૂપિયા કાઢીને આપવા જણાવ્યુ હતું.

બે દિવસ પહેલા ગોરેગાંવના ટેક્નિપ્લસ કૉમ્પ્લેક્સમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા અબ્દુલને જીવનની અંતિમ ક્ષણોમાં પણ પરિવારની ચિંતા થઈ રહી હતી.

અબ્દુલ બિલ્ડિંગના સાતમા માળે ફસાયેલો હતો. તે અને અન્ય વર્કર્સ રવિવારના રોજ સાતમા અને આઠમા માળની સફાઈ કરી રહ્યા હતા. આગ લાગી તો બાકી લોકો ભાગવામાં સફળ રહ્યા પરંતુ અબ્દુલ આગની લપેટોથી બચીને એક એવા ખુણામાં પહોંચી ગયો જ્યાંથી નીકળી ન શક્યો.

તેના ભાઈ નદીમ ખાને જણાવ્યું કે, અબ્દુલ સમજી ગયો હતો કે તેની પાસે હવે કોઈ રસ્તો નથી. તેણે પોતાના મોટા ભાઈ તૌફીલને ફોન કર્યો અને કહ્યું કે તે આગમાં ફસાઈ ગયો છે અને હવે બચી નહીં શકે. તેણે તૌફીલને એટીએમ પિન નોટ કરવાનું કહ્યું અને તેના અકાઉન્ટમાંથી પૈસા નીકાળીને પરિવારને આપવાનું કહ્યું.

તૌફીલ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા અને તે સતત અબ્દુલને બહાર નીકળવાનો રસ્તો શોધવાનું કહેતા રહ્યા. નદીમના જણાવ્યા અનુસાર આ ઘટના પછી તૌફીલ ભાંગી પડ્યા છે. તે પોતાના ભાઈ સાથેની અંતિમ વાતચીત યાદ કરીને વિચારતા રહે છે કે શું તે પોતાના ભાઈને બચાવવા માટે કંઈ પણ કરી શકતા હતા?

તૌફીલે પોતાના ભાઈનો મીસિંગ રિપોર્ટ ગોરેગાંવ પોલીસમાં ફાઈલ કર્યો. અબ્દુલ ઉત્તરપ્રદેશના બલરામપુર જિલ્લાથી ચાર મહિના પહેલા નોકરી શોધવા માટે મુંબઈ આવ્યો હતો. મંગળવારે હોસ્પિટલ બોલાવીને પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો.

(4:54 pm IST)