મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

એકબીજાને હકારાત્‍મક રીતે જુઓ, તનાવમુકત જીવન જીવોઃ પૂ. મોરારીબાપુ

હરિયાણાના ફરીદાબાદમાં આયોજીત ‘‘માનસ યુગધર્મ'' શ્રી રામકથાનો પાંચમો દિવસ

રાજકોટ તા.૩૦: ‘‘એકબીજાને હકારાત્‍મક રીતે જોવા જોઇએ અને સમાજમાં પણ એકબીજા સાથે હકારાત્‍મક વલણ અપનાવવું જોઇએ. તેમજ તનાવમુકત જીવન જીવવુ જોઇએ'' તેમ પૂ. મોરારીબાપુએ હરિયાણાના ફરીદાબાદમાં આયોજીત ‘‘માનસ યુગધર્મ'' શ્રી રામકથાનાં પાંચમાં દિવસે જણાવ્‍યું હતું.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે શ્રી રામકથાના ચોથા દિવસે કહયું કે, આપણે ત્‍યાં જગાડવાના અને સુવડાવવાના ગીતો હતા. હવે એમાં વિકૃતિ આવી રહી છે એની સામે જાગો. વ્‍યાસપીઠો એ પણ જાગવું પડશે. વ્‍યાસપીઠ અભય છે. સત્‍ય એનું ધરેણું છ. તુલસીજીએ કાગભુસુંડીજીની દિનચર્યા, માનસમાં દર્શાવી છે. રાત્રિચર્યા નથી દર્શાવી. કાગભુસુંડીજીની દિનચર્યામાં ચારેય યુગ પ્રવર્તે છે. એ સવારે- બ્રાહ્મમુર્હૂતમાં પીપળાના વૃક્ષ નીચે ધ્‍યાન ધરે છે એ સતયુગ, પછી જાપ-યજ્ઞ આદી કરે છે તે ત્રેતાયુગનો ભાવ, પછી આંબાના વૃક્ષ નીચે માનસપુજા કરે છે તે દ્વાપરયુગ અને સાંજે કથા કહે છે એ કળિયુગનો ભાવ. કાગભુસુંડીજી સાંજે કથા કેમ કહે ? હું તો સવારે તમને કથા કહુ છું પણ કાગભુસુંડીજી સાંજના સમયે કથા કહેતા એ એટલા માટે કે સર્વ પંખી-પ્રાણીઓ વગેરે આખા દિવસની પ્રવૃતિ પછી સાંજે પોતાના માળામાં પાછા ફરે અને એ સર્વ જીવ સાંભળી શકે.અરે! પક્ષીરાજ ગરૂડ પણ કથા સાંભળવા આવે છે. મને પણ ઘણા લોકો સૂચન કરે છેકે બાપુ, તમેય સાંજે કથા કરતા હોતો! આવું સુચન એવા લોકો કરે છેકે જમાડવાની, પ્રસાદની ઝંઝટ નહીં! આ ભંડારામોક્ષ વૃતિ છે. એને જમાડવું એટલે શું એની ખબર જ નથી. હું તો કહું કથા સાંભળીને કાનમાં કશુ જાય કે જાય પેટમાં તો જાય! બાપ, હું સવારે કથા એટલે કહું છુકે તમે લોકો પ્રવૃતિઓની વચ્‍ચેથી સમય કાઢીને કથા સાંભળવાા આવો એનો જ મહિમા છે. તમે સોૈ કેટલા વ્‍યસ્‍ત છો! કેટલા પ્રવૃત છો ? તમારી વ્‍યસ્‍ત પ્રવૃતિમાંથી થોડીક નિવૃતિ લઇને પણ તમે દિવસે-સવારે કથામાં આવો એ ખુબ મહત્‍વનું છે.

 

(3:38 pm IST)