મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

યુએનએસસીની ચૂંટણીમાં ભારત માટે દુવિધા

ભારત કોને કરશે સમર્થન ઇન્‍ડોનેશિયા કે માલદીવ

વોશિંગ્‍ટન તા. ૩૦ : વડાપ્રધાન મોદી પર્વ એશિયાના ત્રણ દેશો ઈન્‍ડોનેશિયા-સિંગાપુર અને મલેશિયાની પાંચ દિવસની મુલાકાતના પ્રથમ તબક્કામાં ઈન્‍ડોનેશિયાની રાજધાની જકાર્તાની મુલાકાતે છે.વડાપ્રધાન મોદીનો ઉદેશ્‍ય છે કે ભારત અને ઈન્‍ડોનેશિયાની વચ્‍ચે રાજકીય, આર્થિક અને વ્‍યૂહાત્‍મક હિતોને મજબૂતાઈ પ્રાપ્ત થાય. બીજી તરફ ઈન્‍ડોનેશિયા ચાહે છે કે સંયુક્‍ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્‍થાયી સદસ્‍યો માટે આગામી માસમાં યોજાનારી ચૂંટણીમાં તેમના ઉમેદવારનું ભારત દ્વારા સમર્થન કરવામાં આવે.વડાપ્રધાન મોદીની જકાર્તા મુલાકાત દરમિયાન ઈન્‍ડોનેશિયાને ભારતનું સમર્થન પ્રાપ્ત થવાનો પાક્કો વિશ્વાસ પણ છે. સંયુક્‍ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અસ્‍થાયી સદસ્‍યતા પ્રાપ્ત કરવા માટે ઈન્‍ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ જોકો વિડોડો અને તેમના પ્રધાનોએ કેમ્‍પેન પણ શરૂ કરી દીધું છે. પરંતુ ભારત માટે યુએનએસસીની અસ્‍થાયી સદસ્‍યતા માટે ઈન્‍ડોનેશિયાનું સમર્થન કરવું આસાન નથી.

ભારત પહેલા જ માલદીવને યુએનએસસીમાં અસ્‍થાયી સદસ્‍યતા માટે ટેકો આપવાનો વાયદો કરી ચુક્‍યું છે. તેવામાં આગામી સમયે યોજાનારી યુએનએસસીના અસ્‍થાયી સદસ્‍યોની ચૂંટણીને લઈને ભારત પોતાના નિર્ણય પર ફેરવિચારણા કરે તેવી પણ શક્‍યતા છે.

યુએનએસસીમાં અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાંસ અને ચીન કાયમી સદસ્‍ય છે. ભારત પણ ગત ઘણાં વર્ષોથી યુએનએસસીમાં કાયમી સદસ્‍યતા માટે પુરી કોશિશ કરી રહ્યું છે. અસ્‍થાયી સદસ્‍યોનો કાર્યકાળ બે વર્ષનો હોય છે અને તેમને સંયુક્‍ત રાષ્ટ્રની મહાસભા ચૂંટતી હોય છે.

(5:18 pm IST)