મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

રોટોમેક કેસમાં ઇડીએ રૂા. ૧૭૭ કરોડની મિલકતને ટાંચ મારી

રોટોમેક ગ્‍લોબલ પ્રા. લિ. અને એના ડિરેક્‍ટરોની કાનપુર, દહેરાદૂન, અમદાવાદ અને ગાંધીનગર અને મુંબઈ સહિતની સંપત્તિ ટાંચમાં લેવા આદેશ

નવી દિલ્‍હી તા. ૩૦ : કાનપુરની રોટોમેક જૂથે બેંક સાથે ઋણ મામલે કરેલી કથિત રૂ. ૩૬૯૬ કરોડની છેતરપિંડીના કેસમાં એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ (ઇડી)એ રૂ. ૧૭૭ કરોડની સંપત્તિ પર ટાંચ મારી હોવાની વાત જાહેર કરી હતી. મે. રોટોમેક ગ્‍લોબલ પ્રા. લિ. અને એના ડિરેક્‍ટરોની કાનપુર (ઉત્તર પ્રદેશ), દહેરાદૂન (ઉત્તરાખંડ), અમદાવાદ અને ગાંધીનગર (ગુજરાત) અને મુંબઈ (મહારાષ્ટ્ર)માં આવેલી અંદાજે રૂ. ૧૭૭ કરોડની સંપત્તિ પર ટાંચ મારવા માટે પીએમએલએ એક્‍ટ હેઠળ ઇડીએ સોમવારે આદેશ બહાર પાડયા હતા.

ગેરકાનૂની રીતે નાણાં કૌભાંડ કરીને આ સંપત્તિ ઊભી કરાઇ હોવાનો આરોપ ઇડીએ મૂક્‍યો હતો.

ઇડીની તપાસમાં જણાયું હતું કે મર્યાદિત પ્રમાણના ગ્રાહકો અને વેચાણકારો સાથે મે. રોટોમેક ગ્‍લોબલ પ્રા. લિ. વેપારમાં સંડોવાઇ હતી અને એ દોઢથી બે ટકા કમિશન કાપીને વિદેશી ગ્રાહકો કે ખરીદદારો કંપનીને લેટર ઓફ ક્રેડિટ આપતા હતા અથવા કંપનીના માલિક વિક્રમ કોઠારીના વિદેશી ખાતામાં રકમ સીધી જમા કરાવી દેવાતી હતી. કમિશન બાદની રકમ કંપની ફિક્‍સ્‍ડ ડિપોઝીટ રશીદ, આયર્ન ઓરની ખરીદી અને રીયલ એસ્‍ટેટમાં રોકાણ જેવા અન્‍ય વ્‍યાપારલક્ષી કામો માટે વાપરતી હતી. આરોપીઓ કોઇ ચોક્કસ ધંધો જ નહોતા કરતા અને બેંકમાંથી વેપારના નામે ખોટી રીતે ઋણ લઇને ત્‍યાર બાદ એનો ઉપયોગ અન્‍યત્ર કરતા હતા.

સીબીઆઇની એફઆઇઆરને આધારે ઇડીએ પીએમએલએ એક્‍ટ હેઠળ ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો. બેંક ઓફ બરોડાની ફરિયાદને આધારે ઇડી અને સીબીઆઇને કેસ કંપનીના માલિક વિક્રમ કોઠારી, એની પત્‍ની સાધના કોઠારી, પુત્ર રાહુલ કોઠારી અને અજ્ઞાત બેંક અધિકારીઓ સામે નોંધવામાં આવ્‍યો હતો.

(4:51 pm IST)