મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

કેજરીવાલના પગલે દિગ્‍વિજયઃ ગડકરીના પગે પડી ગયા

નીતિન ગડકરી નેતાને બદલે વધુ વેપારી છેઃ ટીપ્‍પણી કરવી ભારે પડી

નવી દિલ્‍હી તા. ૩૦ :.. દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે કોર્ટમાં ચાલી રહેલા માનહાનીના કેસને ઉકેલવા માટે નેતાઓની માફી માંગી હતી. કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા દિગ્‍વિજયસિંહે પણ કેજરીવાલનું અનુસરણ કરીને કેન્‍દ્રીય મંત્રી નીતિન ગડકરીની માફી માંગી છે દિગ્‍વિજયસિંહે કેન્‍દ્રીય મંત્રી નિતીન ગડકરી પર એક કોલસા કારોબારી સાથેના સંબંધના આરોપ લગાવ્‍યા હતા તેઓએ ગડકરીને નેતા ઓછા પણ વધુ વેપારી ગણાવ્‍યા હતાં. તેના પર ગડકરીએ દિગ્‍વિજયસિંહ પર માનહાનીનો મામલો દાખલ કર્યો હતો. ગઇકાલે દિગ્‍વિજય સિંહે પોતાના આરોપો પર નિતિન ગડકરીની માફી માંગી છે. કોંગ્રેસી નેતા દ્વારા માફી માંગ્‍યા બાદ ગડકરીએ પણ સિંહ વિરૂધ્‍ધ દાખલ કરેલી અરજીને પાછી ખેંચી લીધી છે.

આ મામલો ર૦૧ર નો છે તે સમયે નીતિન ગડકરીને ભાજપ અધ્‍યક્ષ બનાવાયા હતાં. નિતીન ગડકરીને ભાજપના અધ્‍યક્ષ બનાવાયા પર કોંગ્રેસના વરિષ્‍ઠ નેતા દિગ્‍વિજયસિંહે કહયું હતું કે ગડકરી નેતાથી વધુ કારોબારી છે. દિગ્‍વિજયસિંહ નીતિન ગડકરી પર એક કોલસા વેપારીના નજીકના સંબંધ હોવા અને લાભ લઇને વેપારીને કોલસા ફાળવણી કરવાનો પણ આરોપ લગાવ્‍યો હતો.

નીતિન ગડકરીએ આ આરોપોને ફગાવીને દિગ્‍વિજયસિંહ પર માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. મામલો એટલો ગંભીર હતો કે દિગ્‍વિજયસિંહને કોર્ટમાં રજૂ થઇને જામીન કરાવ્‍યા પડયા હતાં. ત્‍યારે આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ અંગે સિંહ અનેક વાર કોર્ટમાં પણ રજૂ થયા હતાં.

અંતે દિગ્‍વિજય સિંહે આ મામલે નીતિન ગડકરીની માફી માગી લીધી છે. અને સિંહે પોતાના નિવેદન પર ખેદ પ્રગટ કર્યો. અંતે બંને નેતાઓ વચ્‍ચે છેલ્લા ૬ વર્ષોથી ચાલી રહેલા વિવાદનો અંત થયો છે.

(2:51 pm IST)