મુખ્ય સમાચાર
News of Wednesday, 30th May 2018

રાષ્ટ્રપતિ કોવિંદે પ્રથમ 'દયાની અરજી' ફગાવી દીધી

નવી દિલ્હી, તા. ૩૦ :. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના કાર્યકાળ દરમિયાન આવેલી પહેલી જ દયાની અરજી રદ્દ કરી છે. સુપ્રીમ કોર્ટે જગત રાયને ફાંસી આપવાની સજા રોકવાની ના પાડી હતી ત્યાર પછી તેણે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી હતી, પરંતુ રાષ્ટ્રપતિએ ફાંસીની સજા માફ કરવાની ના પાડી દીધી છે. આ પહેલી જ દયાની અરજી છે જેના પર રાષ્ટ્રપતિએ નિર્ણય કર્યો છે. એવું માનવામાં આવે છે લગભગ ૧૦ મહિના સુધી આ મામલે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બનાવ બિહારનો છે, જ્યાં શ્રી કોવિંદ રાજ્યપાલ તરીકે રહી ચૂકયા છે.

જગત રાય પાંચ બાળકો વિજેન્દ્ર મહંતો અને તેની હત્યાનો આરોપી છે. ૧ જાન્યુઆરી ૨૦૦૬ના બિહારના વૈશાલી જીલ્લાના શ્યામચંદ ગામમાં જ્યારે આખો પરિવાર ઘરમાં સૂતો હતો ત્યારે તેણે વિજેન્દ્ર મહંતોના ઘરમાં આગ લગાડી હતી. ૨૦૧૩ના સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે તેની ફાંસીની સજા માન્ય રાખી હતી કોર્ટે આ બનાવને રેયરેસ્ટ ઓફ રેર કેસ ગણીને ફાંસીની સજા ઓછી કરવાની ના પાડી હતી.

ગૃહ મંત્રાલયના અધિકારીઓનું કહેવુ છે કે, રાયની દયા અરજી ગયા વર્ષે ત્યારના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મોકલવામાં આવી હતી પરંતુ દેશના ૧૪મા રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાથી તેઓએ કોઈ નિર્ણય નહોતો લીધો. જુલાઈમાં તેમણે ઓફિસ છોડી દીધી હતી, જ્યારે પ્રણવ મુખર્જીએ પોતાની ઓફિસ છોડી ત્યારે રાષ્ટ્રપતિ પાસે કુલ ૩૪ દયા અરજીઓ હતી. જેમાંથી ૩૦ને રદ કરવામાં આવી હતી અને ૪ની ફાંસી માફ કરાઈ હતી.

આ પૂર્વે રાષ્ટ્રપતિ આર વૈંકટરામને ૪૫ દયા અરજી રદ કરી હતી, ત્યાર બાદ સૌથી વધુ દયા અરજી રદ કરવાનો રેકોર્ડ પ્રણવ મુખર્જીનો છે. માજી રાષ્ટ્રપતિ કે.આર. નારાયણને એક પણ દયા અરજીની સુનાવણી નહોતી કરી, જ્યારે એ.પી.જે. અબ્દુલ કલામે બે દયા અરજી રદ કરી હતી, તો પ્રતિભા પાટીલે ૫ દયા અરજી રદ કરી હતી અને ૩૪ની ફાંસીની સજા માફ કરી હતી. અધિકારીઓએ કહ્યું કે રામનાથ કોવિંદે રાયની દયા અરજી વાંચીને કાનૂની મત જાણીને ગૃહ મંત્રાલય સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ તેને રદ કરી હતી.(૨-૨)

 

(11:52 am IST)