મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

રાજસ્થાનમાં દરેક પરિવારને મળશે રૂ.5 લાખ સુધીનો આરોગ્ય વીમો

રાજસ્થાન સરકારની મહત્વાકાંક્ષી 'મુખ્યમંત્રી ચિરંજીવી યોજના' શનિવારથી અમલી : નોંધણીની છેલ્લી તારીખ 31 મે સુધી લંબાવી દીધી

જયપુર :રાજસ્થાન સરકારની મહત્વાકાંક્ષી 'મુખ્યમંત્રી ચિરંજીવી યોજના' શનિવારથી અમલી બનશે. આ અંતર્ગત રાજ્યના દરેક પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીનાં આરોગ્ય વીમાનાં લાભો આપવાનું લક્ષ્‍યાંક છે. દરમિયાન, રાજ્ય સરકારે પણ આ યોજના માટે નોંધણીની છેલ્લી તારીખ 31 મે સુધી લંબાવી દીધી છે.

મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ટ્વીટ કર્યું કે, 'મુખ્યમંત્રી ચિરંજીવી આરોગ્ય વીમા યોજના 1 મે 2021 થી શરૂ થવા જઈ રહી છે. 2021-22ના બજેટની ઘોષણાનાં પાલન મુજબ, 1 એપ્રિલથી યોજનાની નોંધણી શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં લગભગ 22.85 લાખ પરિવારો આ યોજનામાં જોડાયા છે.

ગહલોતનાં કહેવા પ્રમાણે, સરકારે નોંધણીની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2021 નક્કી કરી હતી, પરંતુ કોરોના રોગચાળા દરમિયાન થતી અસુવિધાને કારણે તેને 31 મે 2021 સુધી લંબાવી દેવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે જે પરિવારોએ આ યોજનામાં હજી સુધી જોડાયા છે તેમને 1 મે, 2021 થી લાભ મળશે. 31 મે 2021 સુધી તેમાં જોડાનારા પરિવારોને નોંધણીની તારીખથી લાભ આપવામાં આવશે.

આ યોજનાની જાહેરાત મુખ્યપ્રધાન દ્વારા આ વર્ષનાં બજેટમાં કરવામાં આવી હતી. આ અંતર્ગત રાજ્યનાં દરેક પરિવારનાં સભ્યને 5 લાખ રૂપિયા સુધીની નિશુલ્ક સારવાર સંબંધિત ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવશે, આ આરોગ્ય વીમા કવરમાં વિવિધ રોગોની સારવારનાં 576 પેકેજો અને કાર્યવાહી શામેલ કરવામાં આવી છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ અગાઉની આરોગ્ય વીમા યોજનામાં રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અને સામાજીક આર્થિક વસ્તી ગણતરીના પાત્ર લાભાર્થીઓને યોજનાનો લાભ મળી રહ્યો હતો. હવે મુખ્યમંત્રીની બજેટની જાહેરાત મુજબ રાજ્યના કરાર કામદારો, નાના અને સીમાંત ખેડુતોને મફત તબીબી સુવિધાનો લાભ મળશે. ઉપરાંત, વીમા પ્રીમિયમનાં 50% એટલે કે વાર્ષિક રૂ. 850, રાજ્યના અન્ય તમામ પરિવારો માટે વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સુવિધા આપવામાં આવશે.

(12:01 am IST)