મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

જુલાઈ-ઓગસ્ટમાં ત્રીજી લહેર તબાહી મચાવશે

મહારાષ્ટ્રમાં કોરોનાની ગંભીર સ્થિતિ

મુંબઈ, તા. ૩૦ : દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ચાલી રહી છે. તેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રથી નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં દરરોજ ૬૦,૦૦૦થી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર પણ આવે તેવી આશંકા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેના કહેવા પ્રમાણે જુલાઈ-ઓગષ્ટ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર તબાહી મચાવી શકે છે.

પ્રદેશ સરકાર દ્વારા રચવામાં આવેલી ટાસ્ક ફોર્સના નિષ્ણાતો સાથેની વાતચીતના આધાર પર રાજ્યમાં ત્રીજી લહેરનો દાવો કરવામાં આવ્યો છે. જો કે, મે મહિનાના અંત સુધીમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાવા લાગશે પરંતુ જુલાઈ અને ઓગષ્ટમાં કોરોના ફરી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે જે રાજ્યમાં ત્રીજી લહેર બનશે.

રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુરૂવારે કોરોનાની સ્થિતિ અંગે બેઠક યોજી હતી. બેઠકમાં તેમણે બધાને સ્પષ્ટપણે ત્રીજી લહેર માટે તૈયાર રહેવા કહ્યું હતું. સાથે પહેલેથી પાયાના મેડિકલ ઉપકરણોની વ્યવસ્થા કરી રાખવા નિર્દેશ આપ્યો હતો. બેઠક બાદ રાજેશ ટોપેએ સ્વાસ્થ્ય ક્ષેત્રે અને ખાસ કરીને ઓક્સિજનના પુરવઠા મામલે આત્મનિર્ભર બનવું પડશે તેમ જણાવ્યું હતું.

(7:41 pm IST)