મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

મીડિયાએ સત્ય દર્શાવ્યુ તો ચૂંટણી પંચે હાઈકોર્ટને અપીલ કરી કે મીડિયાને મૌખિક ટિપ્પણીના રિપોર્ટિંગ કરતા અટકાવો

મૌખિક ટિપ્પણીઓનું રિપોર્ટિગ મુદ્દે મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવે-મૌખિક ટિપ્પણીના મીડિયા રિપોર્ટિગથી દુઃખી છીએ

નવી દિલ્હી, તા.૩૦: કોરોના વાયરસના વધતા મામલાની વચ્ચે ચૂંટણી રેલી પર પ્રતિબંધ નહીં લગાવવાને લઈને મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી આયોગને ફટકાર લગાવી ચૂકી છે. મદ્રાસ હાઈકોર્ટ તરફથી ચૂંટણી પંચને લગાવવામાં આવેલા ફટકારના સમાચાર હવે મીડિયાની હેડલાઈન બનેલા છે.  તેવામાં હવે ચૂંટણી આયોગે હાઈકોર્ટને અપીલ કરી છે કે મૌખિક ટિપ્પણીઓનું રિપોર્ટિંગ કરવાને લઈને મીડિયા પર પ્રતિબંધ લગાવવામાં આવે.

ઉલ્લેખનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી આયોગની ટીકા કરતા કહ્યુ હતુ કે કોવિડની બીજી લહેર માટે ચૂંટણી પંચ જવાબદાર છે અને તેના અધિકારીઓ પર હત્યાનો કેસ દાખલ થવો જોઈએ.

આના પર ચૂંટણી પંચે પોતાની અરજીમાં કહ્યુ કે તે મદ્રાસ હાઈકોર્ટની મૌખિક ટિપ્પણીના મીડિયા રિપોર્ટિંગથી દુઃખી છે. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે હાલની સ્થિતિ માટે માત્ર ચૂંટણી પંચ જવાબદાર છે. ઈલેકશન કમિશનનું કહેવુ છે કે સમાચારોએ એક સ્વતંત્ર સંવૈધાનિક એજન્સી તરીકે ભારતમાં ચૂંટણી પંચની છબીને ખરડી છે. જેને ચૂંટણી કરાવવાની સંવૈધાનિક જવાબદારી સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કોર્ટની મૌખિક ટિપ્પણીના મીડિયામાં રિપોર્ટિંગ કર્યા બાદ પશ્યિમ બંગાળમાં ડેપ્યૂટી ઈલેકશન કમિશનરના વિરુદ્ઘ હત્યાનો આરોપ લાગતા જ ફરિયાદ નોંધાયી છે. મદ્રાસ હાઈકોર્ટના કડક વલણ બાદ ચૂંટણી આયોગે વિધાનસભાની ચૂંટણીના પરિણામને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. પંચ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે પરિણામ બાદ જીતની રેલી કે સેલિબ્રેશન પર પ્રતિબંધ રહેશે. એનો મતલબ છે કે જીતનું સેલિબ્રેશન રસ્તા પર મનાવવાની ના છે. ઉલ્લેખનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી આયોગ પાસે પરિણામને કરવામાં આવેલી તૈયારીઓની બ્લૂ પ્રિન્ટ માંગી હતી.

(4:09 pm IST)