મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

કોરોનાને હળવાશથી લેવાનું ભાજપના ધારાસભ્યને ભારે પડયુઃ પોઝીટીવ થયા પછી થયું મોત

વિધાનસભાના સત્રમાં પણ કેસરસિંહ ગંગવાર માસ્ક વગર જોવા મળતા હતા

લખનૌઃ દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. રોજે રોજ વિશ્વમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક કેસો ભારતમાં આવી રહયા છે. કોરોનાની બીજી લહેરમાં દેશની આરોગ્ય વ્યવસ્થા અવ્યવસ્થામાં ફેરવાઇ ગઇ હોય તેવું જણાય રહયું છે. લોકોને હોસ્પિટલ, બેડ, દવા, ઓકસીજન સુધ્ધા નસીબ નથી થઇ રહયો. હોસ્પિટલ બહાર તડપી તડપીને લોકો જીવ ગુમાવી રહયા છે ને કોઇ ખબર પુછવાવાળુ પણ નથી.

આ સામાન્ય લોકોની જ વાત નથી. ધારાસભ્યથી માંડીને સાંસદ સુધીનાને અવ્યવસ્થાનો સામનો કરવો પડી રહયો છે. યુપીના ભાજપા ધારાસભ્ય કેસરસિંહ ગંગવારનું કોરોનાથી નિધન થઇ ગયું. તેઓ બરેલીની નવાબગંજ બેઠકના ધારાસભ્ય હતા. તેમની નોઇડાની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આક્ષેપ એવા છે કે તેમના પરિવારજનો આઇસીયુ બેડ માટે વિનંતી કરતા રહયા પણ ન મળી શકયો.

કેન્દ્ર સતત લોકોને માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સની અપિલ કરતું રહે છે પણ વિધાનસભાના સત્ર દરમ્યાન આ ધારાસભ્ય માસ્ક વગર આવતા જતા જોવા મળ્યા હતા. આજતકના એક વીડીયોમાં તેઓ સ્પષ્ટ જોવા મળી રહયા છે, જેમાં રીપોર્ટર તેમને પૂછે છે કે તમે માસ્ક કેમ નથી પહેર્યો, તો તેઓ કહે છે, માસ્ક શા માટે પહેરવાનો, હવે કયાં કોરાના કયાંય છે? આમ કોરોનાને હળવાશમાં લેવાનું તેમને ભારે પડી ગયું.

(2:58 pm IST)