મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

દિલ્હીની સ્થિતીને લઇ AAPમાં અસંતોષ, અવ્યવસ્થા ફેલાઇ રહી છે, રાષ્ટ્રપતિ શાસન લગાવો : ધારાસભ્યની માંગ

દિલ્હીમાં ઓકિસજનની તંગીને લઇ પહેલેથી જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તકરાર ચાલુ

નવી દિલ્હી, તા. ૩૦ : કોરોનાના કારણે રાજધાની દિલ્હીની સ્થિતિ દરરોજ બદતર બની રહી છે. આ બધા સંકટ વચ્ચે સત્ત્।ાધારી પક્ષ આમ આદમી પાર્ટીમાં જ અસંતોષનો અવાજ પ્રબળ બન્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શોએબ ઈકબાલે રાજધાનીમાં રાષ્ટ્રપતિ શાસન લાગવું જોઈએ તેવી માંગણી કરી હતી.

દિલ્હીના મટિયામહલના ધારાસભ્ય શોએબ ઈકબાલે કોરોનાના કારણે દિલ્હીમાં સર્જાયેલી વર્તમાન પરિસ્થિતિને લઈ આ પ્રકારની માંગણી કરી હતી. એટલું જ નહીં, તેમણે હાઈકોર્ટને વિનંતી કરી હતી કે, દિલ્હીમાં ફેલાઈ રહેલી અવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને હવે ત્યાં રાષ્ટ્રપતિશાસન લાગી જવું જોઈએ.

ધારાસભ્યએ ફરિયાદ કરી હતી કે, દિલ્હીમાં દર્દીઓને દવા પણ નથી મળતી અને હોસ્પિટલ પણ નથી મળતી. આ સંજોગોમાં લોકોની કોઈ સુનાવણી નથી થઈ રહી. ઉલ્લેખનીય છે કે, કોરોનાના કારણે હાલ દિલ્હીમાં ખૂબ જ ભયંકર સ્થિતિ નિર્માણ પામી છે. ઓકિસજનની તંગીને લઈ પહેલેથી જ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર વચ્ચે તકરાર ચાલી રહી છે. પરંતુ હવે તો આ મહાસંકટને લઈ રાજય સરકારના પોતાના સદસ્યએ જ સવાલ કરી દીધો છે.

(11:54 am IST)