મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

એસબીઆઈનો રિપોર્ટ

૧૫ ટકા વસ્તીને રસીનો બીજો ડોઝ લાગ્યા પછી કોરોનાનું જોખમ ઘટશે

નવી દિલ્હી, તા. ૩૦ :. ભારતમાં વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ ૧૬ જાન્યુઆરીથી શરૂ થઈ ચૂકયો છે અને ૧ મેથી શરૂ થનાર ત્રીજા તબક્કામાં ૧૮ વર્ષથી વધુ વયના લોકોને પણ તેમા જોડવામાં આવશે. એસબીઆઈની રિસર્ચ ટીમનું માનીએ તો કોરોના સંક્રમણ વિરૂદ્ધની લડાઈમાં રસી સૌથી મહત્વનું હથીયાર છે. એસબીઆઈ ઈકોરેપ રિપોર્ટ અનુસાર અન્ય દેશોના અનુભવ અનુસાર ૧૫ ટકા વસ્તીને રસીનો બીજો ડોઝ મુકાયા પછી કોરોના સંક્રમણ સ્થિર થઈ શકે એટલે કે તેના વધવાનું જોખમ ઓછું થઈ જશે. રિપોર્ટ અનુસાર ભારતમાં ઓકટોબર ૨૦૨૧ સુધીમાં ૧૫ ટકા વસ્તીને બીજો ડોઝ લાગી શકશે. એસબીઆઈ રિસર્ચ ટીમના રિપોર્ટ અનુસાર જે લોકોને રસી નથી મુકાઈ, તેમના પર તે વધારે અસર કરી રહ્યો છે.

એસબીઆઈ ઈકોરેપ રિપોર્ટ બેંકના ગ્રુપ ચીફ ઈકોનોમિક એડવાઈઝર સૌમ્ય કાંતિ ઘોષે તૈયાર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર કેટલાક રાજ્યોએ લોકડાઉન/ પ્રતિબંધો લગાવ્યા છે જેના લીધે વર્ષ ૨૦૨૧-૨૨માં વિકાસને અસર થઈ શકે છે. રિપોર્ટમાં નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે ગ્રોથ પ્રોજેકશનને સુધારવામાં આવ્યું છે અને તેના અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં રિયલ જીડીપી ૧૦.૪ ટકા અને નોમીનલ જીડીપી ૧૪.૨ ટકા થઈ શકે છે. રિપોર્ટ અનુસાર મે ના ત્રીજા સપ્તાહમાં કોરોના સંક્રમણમાં ઘટાડો આવી શકે છે.

- ડીસેમ્બર ૨૦૨૦ની આખરથી ફેબ્રુઆરી ૨૦૨૧ના મધ્ય સુધી રોજ આવતા કેસોમાં ઘટાડો થઈ રહ્યો હતો પણ તે દરમ્યાન ટેસ્ટીંગ પણ ઘટયુ હતુ. જો કે હવે એવુ ન થવુ જોઈએ કેમ કે તેનાથી વ્યાપક સ્તરે સંક્રમણ વધે છે.

- એવુ મનાય છે કે ચૂંટણી અને જાહેર સ્થળો પર ધાર્મિક સમારંભોના કારણે કેસ વધ્યા છે. જો કે દિલ્હી, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં આવું ન હોવા છતા કેસ વધ્યા હતા. મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવા છતા કેસ વધ્યા છે.

- મેના મધ્ય એટલે કે પીક લેવલ આવતા સુધીમાં મહારાષ્ટ્રમાં ૯.૫ લાખ એકટીવ કેસ થઈ શકે છે. અત્યારે તે ૬.૭ લાખ છે.

- ઓકટોબર ૨૦૨૧માં દેશમાં ૧૦૪.૮ કરોડ ડોઝ લોકોને અપાઈ જશે. તેનાથી ૧૫ ટકા વસ્તી પૂર્ણ રીતે વેકસીનેટ થઈ જશે જ્યારે ૬૩ ટકા લોકોને એક ડોઝ અપાઈ જશે.

(11:50 am IST)