મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

૨૪ કલાકમાં ૩,૮૬,૪૫૨ કેસઃ ૩૪૯૮ના મોત

દેશમાં કુલ ૩૧,૭૦,૨૨૮ એકટીવ કેસઃ કુલ મૃત્યુ ૨૦૮૩૩૦ : દેશમાં કુલ કેસ ૧,૮૭,૬૨,૯૭૬: ૧૫ કરોડથી વધુનું રસીકરણ

નવી દિલ્હી, તા.૩૦: વિશ્વમાં લગભગ એક સપ્તાહથી છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના સૌથી વધુ કેસ ભારતમાં નોંધાઈ રહ્યા છે. ભારતમાં ફરી કોરોનાના નવા કેસનો વિક્રમ નોંધાયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે સવારે કહ્યું કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૮૬૪૫૨ કેસ નોંધાયા છે. કોરોનાના કુલ કેસ ૧૮૭૬૨૯૭૬ પાર થઈ ગયા છે અને એકિટવ કેસ ૩૧૭૦૨૨૮ આંકને વટાવી ગયા છે. ઉપરાંત દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૪૯૮નાં મોત નીપજયાં છે, જે એક દિવસમાં મોતનો સૌથી મોટો આંક છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૨૦૮૩૩૦ લાખ થઈ ગયો છે. દરમિયાન દેશમાં અત્યાર સુધીમાં રસીના ૧૫ કરોડથી વધુ ડોઝ અપાઈ ચૂકયા છે.

ભારતમાં કોરોના મહામારીએ ઊથલો મારતા છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક સાડા ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ગુરુવારે એક જ દિવસમાં કોરોનાના ૩,૭૯,૨૫૭ નવા કેસ નોંધાયા હતા, જે એક જ દિવસમાં કોરનાના નવા કેસનો દુનિયામાં સૌથી મોટો આંક છે. દેશમાં મોતની દૃષ્ટિએ પણ ગુરુવારે સૌથી વધુ ૩૬૪૫ દર્દીઓનાં મોત નીપજયાં હતા.

કોરોનાના કેસમાં સ્થિર વધારાને પગલે એકિટવ કેસ ૩૧૭૦૨૨૮ થયા છે, જે કોરોનાના કુલ કેસમાં ૧૬.૭૯ ટકા હિસ્સો છે. દેશમાં રિકવરી રેટ વધુ દ્યટીને ૮૨.૧૦ ટકા થયો છે. બીજીબાજુ અત્યાર સુધીમાં કોરોનાના ૧,૫૦,૮૬,૮૭૮ દર્દીઓ સાજા થયા છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસમાં ૭૨.૨૦ ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્ત્।ર પ્રદેશ અને દિલ્હી સહિત ૧૦ રાજયોમાં નોંધાયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.  વધુમાં દેશમાં રસીકરણના ૧૦૩ દિવસમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧ લાખથી વધુ ડોઝ અપાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં ૨૨,૦૭,૦૬૫ સૂત્રો મારફત કોરોનાની રસીના ૧૫ કરોડથી વધુ ડોઝ અપાયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું.

દરમિયાન દેશમાં કોરોનાના કેસ વધતાં મોટાભાગના દરેક રાજયોમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રકચર પડી ભાંગ્યું હોવાથી હવે સૈન્યની મદદ લેવાઈ છે. આર્મી ચીફ નરવાણેએ ગુરુવારે વડાપ્રધાન મોદીને જણાવ્યું હતું કે, દેશના વિવિધ ભાગમાં સૈન્ય દ્વારા કામચલાઉ હોસ્પિટલો ઊભી કરાઈ રહી છે અને સૈન્યનો મેડિકલ સ્ટાફ આ હોસ્પિટલોમાં સેવા આપશે.

ભારતમાં રસીકરણ અભિયાનનો મહત્વનો ભાગ એવી ભારત બાયોટેકે ગુરુવારે કોરોના માટેની તેની રસી 'કોવેકિસન'નો ભાવ ઘટાડીને રૂ.૪૦૦ કર્યો છે. રસીનો ભાવ ઘટાડવા માટે કેન્દ્રની વિનંતી પછી કંપનીએ આ જાહેરાત કરી હતી. અગાઉ રાજયો માટે કોવેકિસનની કિંમત રૂ. ૬૦૦ રખાઈ હતી. કંપની કેન્દ્ર સરકારને રૂ. ૧૫૦ના ભાવે રસી પૂરી પાડતી હોવાથી એક જ રસી માટે તેના અલગ અલગ ભાવની દેશભરમાં આકરી ટીકા થઈ હતી.

દરમિયાન ગૃહમંત્રાલયે કોરોનાના હળવા લક્ષણોના પગલે દ્યરમાં જ આઈસોલેટ થયેલા લોકો માટેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓને રેમડેસિવિર ઈન્જેકશનની કોઈ જરૂર નથી. કોરોનાના લક્ષણો સાત દિવસ કરતાં વધુ સમય સુધી જોવા મળે તો સારવાર કરનારા ડોકટરનો સંપર્ક કરવો જોઈએ.

(10:49 am IST)