મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

બેડ – ઓકસીજન - દવા બાદ હવે વેકસીન માટે હોબાળો

આવતીકાલથી શરૂ થનારા વેકસીનના ત્રીજા ચરણ પર સંકટના વાદળોઃ અનેક રાજ્યોમાં વેકસીનની અછતઃ રસીકરણ અભિયાનને ધક્કો પહોંચવાની શકયતા : મુંબઈમાં મહાસંકટઃ ૩ દિવસ સુધી વેકસીનેશન સેન્ટર બંધ રાખવાના આદેશોઃ વેકસીન કયારે મળશે તે નક્કી નથીઃ મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબ, દિલ્હી, તામીલનાડુમાં પણ વેકસીનની અછત

મુંબઈ, તા. ૩૦ :. ૧લી મેથી દેશભરમાં શરૂ થનાર કોરોના રસીકરણ અભિયાનના ત્રીજા ચરણ પર સંકટના વાદળો ઘેરાયા છે. અનેક રાજ્યોમાં વેકસીનની અછત છે જેને કારણે અભિયાનને અસર થઈ શકે છે.

કોરોના મહાસંકટનો સામનો કરી રહેલી માયાનગરી મુંબઈમાં હાલ વેકસીનની ભારે અછત છે. સ્થિતિ એવી થઈ ગઈ છે. મુંબઈમાં આવતા ૩ દિવસ સુધી વેકસીનેશન સેન્ટર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર પહેલેથી જ ૧લી મેથી ૧૮ પ્લસને વેકસીનને લગાવવાનો ઈન્કાર કરી ચુકેલ છે.

મુંબઈમાં છેલ્લા ઘણા દિવસથી વેકસીનની ભારે અછત છે. રોજ એક પછી એક કેન્દ્ર બંધ થતા ગયા છે. ગઈકાલે પણ અનેક સેન્ટર પર લોકોની ભારે ભીડ હતી અને પરંતુ વેકસીન ઘણી ઓછી હતી. બીએમસીનું કહેવુ છે કે હાલ તેની પાસે વેકસીન નથી. જ્યારે મળશે ત્યારે લોકોને ફોન અને સંદેશ આપવામાં આવશે.

રાજ્ય સરકાર પહેલેથી જ કહી ચુકી છે કે કેન્દ્ર તરફથી તેને વેકસીન નથી મળતી. સાથોસાથ સીરમને જે ઓર્ડર આપવામાં આવ્યો છે તે ૧લી મે સુધી પહોંચી નહી શકે. તેવામાં ૧૮ પ્લસ લોકોને ૧૫ મે પછી વેકસીન લગાવી શકાશે. રાજ્યમાં ૧૫ દિવસ લોકડાઉન લંબાવવામાં આવ્યુ છે.

બીએમસીના એડી. કમિ. ભીંડેએ જણાવ્યુ છે કે ૧૮ થી ૪૫ સુધીના લોકોને જ્યારે રસી આવશે ત્યારે અપાશે.

મહારાષ્ટ્ર ઉપરાંત પંજાબ, દિલ્હી, તામીલનાડુમાં પણ રસીની અછત છે.

(10:48 am IST)