મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

પંજાબમાં સરકારનો મોટો નિર્ણય : લગ્ન કરવા પર છોકરીઓને મળશે ૫૧,૦૦૦નો આશીર્વાદ

આ યોજના હેઠળ ડિસેમ્બર ૨૦૨૦ સુધીની ચુકવણી થઇ ચૂકી છે : નવી યોજના ૧ જુલાઇ, ૨૦૨૧થી અમલમાં આવશે

અમૃતસર,તા. ૩૦: પંજાબ સરકારે છોકરીઓના લગ્ન માટે 'આશીર્વાદ' યોજનાની રકમ ૨૧ હજારથી વધારીને ૫૧ હજાર કરી દીધી છે. આ નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ, ડિસેમ્બર ૨૦૨૦ સુધીની ચુકવણી થઈ ચૂકી છે. નવી યોજના ૧ જુલાઇ, ૨૦૨૧ થી અમલમાં આવશે. સરકારે આશીર્વાદ યોજના બીજી વખત વધારી છે. અગાઉ તે ૧૫ હજારથી વધારીને ૨૧ હજાર કરવામાં આવી હતી.

સરકારે 'શગુન'યોજનાનું નામ બદલીને 'આશીર્વાદ' રાખ્યું હતું. આમાં, રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થાય છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ યોજના અનુસૂચિત જાતિ, ખ્રિસ્તી બિરાદરો, પછાત વર્ગો, આર્થિક બાજુના નબળા વર્ગના પરિવારો અને કોઈપણ જાતિની વિધવા પુત્રીઓ તેમજ  ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરની મુસ્લિમ છોકરીઓ માટે લાગુ છે. પુનૅં લગ્ન સમયે અનુસૂચિત જાતિની વિધવાઓ અને છૂટાછેડાવાળી મહિલાઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

આ રકમના તાજેતરના વધારાથી ૬૦ હજાર લાભાર્થીઓને લાભ થશે. તેનાથી સરકારી તિજોરી પર ૧૮૦ કરોડ રૂપિયાનું ભારણ પડશે. આ સ્કીમ હેઠળ લાભ મેળવવા માટે તમામ સ્ત્રોતોમાંથી કુટુંબની વાર્ષિક આવક રૂ .૩૨,૭૯૦ કરતા વધુ ન હોવી જોઈએ.

કેબિનેટે ભાષા વિભાગના પુનર્રચનાને મંજૂરી આપી છે. જેમાં ૬૧ બિન-આવશ્યક પોસ્ટ્સની જગ્યાએ ૧૩ નવી પોસ્ટ્સ બનાવવાનું શામેલ છે.

(10:24 am IST)