મુખ્ય સમાચાર
News of Friday, 30th April 2021

બજાજ ઓટોના ચેરમેન પદેથી રાહુલ બજાજનું રાજીનામું:હવે નીરજ બજાજના હાથોમાં કમાન

પહેલી મેં થી નીરજ બજાજ કંપનીના નોન એક્ઝિક્યુટિવ ચેરમેનનો પદ સંભાળશે.

મુંબઈ : રાહુલ બજાજે બજાજ ઓટોના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમની જગ્યા કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નીરજ બજાજ લેશે. રાહુલ બજાજ વર્તમાનમાં બજાજ ઓટોના નોન એક્ઝિક્યૂટિવ ચેરમેન છે. તેમણે પોતાની ઉંમરને ધ્યાનમાં રાખીને આ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેઓ 1972થી ચેરમેન તરીકે આ કંપનીનું સંચાલન કરી રહ્યા હતા. કંપની દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 1લી મે 2021થી તેઓ બજાજ ઓટોના chairman emeritus તરીકે કામ કરશે. રાહુલ બજાજની જગ્યા હવે નીરજ બજાજ કંપનીના નોન એક્ઝિક્યુટિવ ચેરમેનનો પદ સંભાળશે. હાલમાં તેઓ કંપનીનો ડિરેક્ટર છે.

   આજે કંપની દ્વારા શેર દીઠ રૂ. 140નું ડિવિડન્ડ પણ જાહેર કરાયું છે. કંપની તરફથી નાણાકીય વર્ષ 2020-21 માટે ડિવિડન્ડ તરીકે 40201 કરોડની રકમની જાહેરાત કરવામાં આવી છે. તે કંપનીના સ્ટેન્ડઅલોન પ્રોફિટના લગભગ 90 ટકા ભાગ છે. ઉલ્લેખનીય છે કે નીરજ બજાજનો જન્મ 10 ઓક્ટોબર 1954માં થયો હતો અને તેઓ બજાજ ગ્રુપના પ્રમોટર ડિરેક્ટર રહી ચૂક્યા છે. તેઓ બજાજ ગ્રુપ કંપનીઓ - બજાજ ઓટો, બજાજ અલિઆન્ઝ લાઇફ એન્ડ જનરલ ઇન્સ્યુરન્સના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં સામેલ રહ્યા છે.

બજાજનું નામ આખી દુનિયામાં ફેલાવવાનો શ્રેય રાહુલ બજાજને જાય છે. બજાજ ચેતકને દરેક ઘરે પહોંચાડવા અને દરેકની જબાન પર ચેતકનું નામ મોકલવામાં રાહુલ બજાજે મહત્વની ભૂમિકા નિભાવી છે. રાહુલ બજાજની કાબિલિયત જ હતી કે 1965માં જે કંપનીનું ટર્નઓવર 3 કરોડ રૂપિયા હતું, તેને 2008માં 10,000 કરોડ સુધી પહોંચાડી દીધું. રાહુલ બજાજ હંમેશા તેમના નિવેદનો માટે જાણીતા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1972 માં બજાજે પ્રથમ વખત ભારતીય બજારમાં ચેતક સ્કૂટર લોન્ચ કર્યો હતો. આ સ્કૂટરનો ક્રેઝ એટલો હતો કે તે દરમિયાન લોકોએ તેને ખરીદવા માટે 4થી 5 વર્ષ રાહ જોવી પડતી હતી. જ્યારે થોડા વર્ષો પહેલા સુધી આ સ્કૂટર ઘણા મધ્યમ વર્ગના પરિવારો માટે તેમનું જીવન હતું. પરંતુ સમય જતાં સ્કૂટર્સ અને બાઇકમાં બદલાવ આવ્યા. તેને ધ્યાનમાં રાખીને જ થોડા વર્ષો પહેલા આ સ્કૂટરને સંપૂર્ણપણે નવા રંગ રૂપમાં રજૂ કરવામાં આવ્યું હતું.

(12:00 am IST)