મુખ્ય સમાચાર
News of Monday, 30th March 2020

૧લી સુધી ઈન્દોર સંપૂર્ણ લોકડાઉનઃ બધુ જ બંધ રહેશે

દેશનું સૌથી મોટુ લોકડાઉન ઈન્દોરમાં: દૂધ, શાકભાજી, અનાજ સહિતની તમામ દુકાનો બંધ રહેશેઃ પેટ્રોલ પંપો પણ બંધ રહેશેઃ હોમ ડીલીવરી પણ નહિ થાયઃ લોકડાઉનનું ઉલ્લંઘન કરનારને જેલમાં ધકેલી દેવાશેઃ અત્યાર સુધીમા ૩૨ પોઝીટીવ કેસ કરતા સરકાર આકરા પાણીએઃ સંપૂર્ણ શહેર જડબેસલાક બંધ

ઈન્દોર, તા. ૩૦ :. દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે ૨૧ દિવસનું લોકડાઉન જારી છે. આમ છતા દેશના અનેક વિસ્તારોમાં લાપરવાહીના મામલાઓ સામે આવ્યા છે. જેના કારણે દર્દીઓની સંખ્યા વધી રહી છે. દેશભરમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો ખતરો વધી રહ્યો છે. આજ કારણે મધ્યપ્રદેશ સરકાર આકરાપાણીએ આવી છે અને રાજ્ય સરકારે દેશમાં સૌથી આકરામા આકરૂ લોકડાઉન ઈન્દોરમાં કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન સમગ્ર શહેર સંપૂર્ણ રીતે થંભી જશે. ત્યાં ૩૨ પોઝીટીવ કેસ મળ્યા છે. આજે નવા ૮ દર્દીઓ આવ્યા છે. જેમા  ૭ ઈન્દોરના અને ૧ ઉજ્જૈનનો છે. શહેરમાં આજથી ૧ એપ્રિલ સુધી બધુ જ બંધ રહેશે એટલે કે ૧ લી એપ્રિલ સુધી રાશન, શાકભાજી, દૂધ સહિત કોઈપણ વસ્તુનું વેચાણ નહી થાય કે ન તો કોઈ વસ્તુની હોમ ડીલીવરી નહી થાય, પેટ્રોલ પંપ પણ બંધ રહેશે. લોકડાઉનની દરકાર ન રખાતા તંત્રએ આ પગલુ લીધુ છે. છેલ્લા ૫ દિવસમાં અહીં દર્દીઓની સંખ્યા વધી છે.

આ વાયરસના સંક્રમણના રોકવા માટે જિલ્લા કલેકટર મનિષ સિંહે તમામ વ્યવસ્થાઓનુ સંચાલન માટે અનેક અધિકારીઓની નિમણૂક કરી છે. સરકારે કહ્યુ છે કે લોકડાઉનનુ ઉલ્લંઘન કરનાર પર કડક કાર્યવાહી થશે. નિયમ તોડનારને જેલમા જવુ પડશે.

દેશભરમાં લોકડાઉન લાગુ થયાના ૫ થી ૬ દિવસો ચાલ્યા ગયા છે છતા લોકડાઉનની જોઈએ તેટલી અસર જોવા મળતી નથી. લોકો ઘરોની બહાર નિકળી ખરીદી કરી રહ્યા છે. એ જોતા સરકારે આ નિર્ણય લીધો છે. ઈન્દોરમાં દર્દીઓની સંખ્યા વધતા સરકારે લાલ આંખ કરી છે. શહેરમાં માત્ર મેડીકલ સ્ટોર ખુલ્લા રહેશે.

(10:50 am IST)