મુખ્ય સમાચાર
News of Monday, 30th January 2023

જીન્‍સ પહેરી કોર્ટ પહોંચ્‍યા વકીલઃ હાઈકોર્ટે પોલીસ બોલાવી મોકલ્‍યા બહાર

હાઈકોર્ટ પરિસરમાં જીન્‍સ પહેરી આવવું વકીલને મોંઘુ પડયું : વકીલ પોતાના અસીલનો કેસ સાંભળવા કોર્ટમાં પહોંચ્‍યા હતાઃ સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી

ગુવાહાટી,તા.30: આસામના ગુવાહાટીમાંથી એક વિચિત્ર કિસ્‍સો બન્‍યો છે ગુવાહાટી હાઈકોર્ટમાં એક કેસની સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી કારણ કે અરજદારના વકીલે જીન્‍સ પહેર્યું હતું.

અહેવાલો અનુસાર, વકીલને કોર્ટ પરિસરમાં જીન્‍સ પહેરવા બદલ કાર્યવાહીનો પણ સામનો કરવો પડ્‍યો હતો. કોર્ટના આદેશ અનુસાર, અરજદારના વકીલ બીકે મહાજને જીન્‍સ પહેર્યું હતું. જેથી કોર્ટે પોલીસ કર્મચારીઓને બોલાવીને હાઈકોર્ટ પરિસરની બહાર કાઢી મુક્‍યા હતા.

કોર્ટના આદેશ અનુસાર આ મામલો શુક્રવાર (27 જાન્‍યુઆરી)નો છે. વકીલનું પૂરું નામ બિજાન મહાજન છે. હાઈકોર્ટના આદેશમાં એવું પણ લખવામાં આવ્‍યું હતું કે, ‘આ આદેશ માનનીય મુખ્‍ય ન્‍યાયાધીશ તેમજ રજિસ્‍ટ્રાર જનરલના ધ્‍યાન પર લાવવામાં આવે.' આ મામલો આસામ, નાગાલેન્‍ડ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશની બાર કાઉન્‍સિલના ધ્‍યાન પર પણ લાવવો જોઈએ.

આદેશની નકલ મુજબ બીકે મહાજન અરજદાર એ ચૌધરીના કેસ લડી રહ્યા છે. સ્‍થાનિક મીડિયા અનુસાર, મહાજનને કોર્ટ પરિસરમાં ઘણી વખત જીન્‍સ પહેરીને જોવામાં આવ્‍યા હતા, પરંતુ ગઈકાલે (27 જાન્‍યુઆરી) તે કોર્ટની નજરમાં આવ્‍યો અને તેને કોર્ટ પરિસરમાંથી બહાર લઈ જવો પડ્‍યો.

તમને જણાવી દઈએ કે ન્‍યાયિક પ્રણાલી સાથે જોડાયેલા લોકોએ નિર્ધારિત ડ્રેસ કોડનું પાલન કરવું પડશે. વકીલોનો ડ્રેસ કોડ ‘એડવોકેટ્‍સ એક્‍ટ 1961' હેઠળ આવે છે, જે બાર કાઉન્‍સિલ ઓફ ઈન્‍ડિયાના નિયમોથી સંચાલિત થાય છે. ડ્રેસ કોડ હેઠળ, વકીલ માટે સફેદ શર્ટ, સફેદ નેકબેન્‍ડ અને કાળો કોટ પહેરવો ફરજિયાત બનાવવામાં આવ્‍યો છે. તે જ સમયે, નિયમો કહે છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ સિવાય વકીલો ગાઉન પહેરે કે ન પહેરે તે વૈકલ્‍પિક છે.

(12:05 pm IST)