મુખ્ય સમાચાર
News of Wednesday, 29th January 2020

કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર મોટો હુમલો : કહ્યું છેલ્લા પાંચ વર્ષમાં માથાદીઠ દેવામાં 27200 નો વધારો

એક ટકા ભારતીયો પાસે 70 ટકા ગરીબો કરતા ચાર ગણી સંપત્તિ

 

નવી દિલ્હી : બજેટ સત્રના થોડા દિવસ પહેલા કોંગ્રેસે મંગળવારે દાવો કર્યો હતો કે, કેન્દ્ર સરકારની ભૂલો અને આર્થિક ગેરવહીવટને કારણે દેશમાં માથાદીઠ દેવું છેલ્લા સાડા પાંચ વર્ષમાં રૂ 27,200 વધ્યું છે. પક્ષના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું હતું કે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં સમજાવવું જોઈએ કે, દેશની જનતા માથેથી દેવાનો બોજ કેવી રીતે ઓછી થશે.

ગૌરવ વલ્લભે કહ્યું કે 2014 માં માથાદીઠ દેવું રૂ. 41,200 હતું, જે છેલ્લા સાડા પાંચ વર્ષમાં વધીને 68,400 રૂપિયા થયું છે. ધ્યાન આપવાની વાત છે કે એક ટકા ભારતીયો પાસે 70 ટકા ગરીબો કરતા ચાર ગણી સંપત્તિ છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે સપ્ટેમ્બર 2019 માં દેશ પર કુલ દેણું, જે માર્ચ 2014 માં 53 લાખ કરોડ રૂપિયા હતું, તે 91 લાખ કરોડ રૂપિયા થઇ ગયુ છે. આનો અર્થ કે સાડા પાંચ વર્ષમાં કુલ દેણામાં 71 ટકાનો વધારો થયો છે. જો આપણે દર વર્ષે તેનું માપન કરીએ, તો વધારો 10.3 ટકા છે.

તેમણે દાવો કર્યો હતો કે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. 18 લાખ કરોડનું આવક લક્ષ્ રાખ્યું છે, પરંતુ સરકાર લક્ષ્ કરતા 6 લાખ કરોડ રૂપિયા પાછળ હોવાનો અંદાજ છે. વલ્લભે સવાલ ઉઠાવ્યો કે આવી સ્થિતિમાં તે કેવી રીતે મોટા રોકાણની વાત કરી શકશે. તેમણે કહ્યું કે વધતા દેવાને લીધે દેશનું રેટિંગ ઓછું થાય છે. જો સ્થિતિ પ્રવર્તશે તો ભારત રોકાણની દ્રષ્ટિએ આકર્ષક રહી શકશે નહીં.

(12:07 am IST)