મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

સુકમામાં લેન્ડમાઇન બ્લાસ્ટમાં સીઆરપીએફ અધિકારી શહીદ

બ્લાસ્ટ નવ જવાનો પણ ઘાયલ થયા : CRPFના આસિસ્ટન્ટ કમાડેન્ટ નિતિન માલેરાવ શહીદ થવાની પુષ્ટિ બસ્તર આઇજી સુંદરરાજ પીએ કરી છે

સુકમા, તા. ૨૯ : છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં લેન્ડમાઇન બ્લાસ્ટમાં CRPFના આસિસ્ટન્ટ કમાડેન્ટ શહીદ થયા છે. બ્લાસ્ટના કારણે ૯ જવાન ઘાયલ થયા છે. હુમલો કાલે રાત્રે લગભગ ૮.૩૦ વાગયે તાડમેટલા વિસ્તારમાં થયો હતો. બે આઇઇડી બ્લાસ્ટની ઝપટમાં આવવાથી કોબ્રા ૨૦૬ના અધિકારી સહિત ૧૦ જવાન ઘાયલ થઈ ગયા. આસિસ્ટન્ટ કમાડેન્ટ નિતિન માલેરાવ શહીદ થવાની પુષ્ટિ બસ્તર આઇજી સુંદરરાજ પી. એ કરી છે.

આઇજીએ જણાવ્યું કે, નક્સલીઓ હોવાની સૂચનાના આધારે જિલ્લાના બુર્કાપલા કેમ્પથી રવાના થયેલા કોબ્રા ૨૦૬ના જવાન આઇઇડી બ્લાસ્ટની ઝપટમાં આવી ગયા. સર્ચિંગ કરી રહેલા જવાન પરત કેમ્પ આવી રહ્યા હતા, ત્યાર તાડમેટલાની પાસે નક્સલીઓએ પાથરેલા આઇઇડીની ઝપટમાં આવી ગયા. અચાનક થયેલા બ્લાસ્ટમાં કોબ્રા ૨૦૬ના ટુઆઇસી દિનેશ કુમાર અને એસી નિતિન માલેરાવ સહિત ૧૦ જવાન ઘાયલ થયા હતા. ત્યારબાદ ઘાયલ જવાનોને કેમ્પ લઈ જવાયા, જ્યાં નિતિન માલેરાવ સારવાર દરમિયાન શહીદ થયા હતા. આઇજી સુંદરરાજ પી.એ જણાવ્યું કે, આઇઇડીની ઝપટમાં આવવાથી કોબ્રા ૨૦૬ના આસિસ્ટન્ટ કમાડેન્ટ નિતિન માલેરાવ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને ગંભીર અવસ્થામાં હૉસ્પિટલ લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેઓ શહીદ થયા. નિતિન મહારાષ્ટ્રના નાસિકના રહેવાસી હતા. પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું કે શનિવારે બનેલી ઘટનામાં પહેલા પાંચ જવાન ઘાયલ થયા હોવાની જાણકારી મળી હતી. બાદમાં જાણકારી મળી હતી કે આ ઘટનામાં અન્ય જવાન પણ ઘાયલ થયા છે. નક્સલીઓના હુમલામાં ઘાયલ થયેલા જવાનોને બચાવવા માટે મોડી રાત્રે ચિંતલનારમાં હેલિકોપ્ટરની નાઇટ લેન્ડિંગ કરાવવામાં આવી. ત્યારબાદ તમામ ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવ્યું. સારી સારવાર માટે સીઆરપીએફ જવાનોને રાયપુર મોકલવામાં આવ્યા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે નક્સલીઓ વિરુદ્ધ અભિયાન ચાલુ રહેશે.

(9:34 pm IST)