મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

સ્ટાર ઉર્મિલા માતોંડકરની રાજકારણમાં નવી ઇનિંગ્સ

અભિનેત્રી કોંગ્રેસ છોડી શિવસેનામાં જોડાશે : ગત વર્ષે કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડનારી ઉર્મિલા માતોંડકર રાજકારણમાં નવી ઈનિંગ્સ શરૂ કરશે

મુંબઈ, તા. ૨૯ : ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર હવે નવી રાજકીય ઈનિંગ શરૂ કરવા જઈ રહી છે. ગત વર્ષે કોંગ્રેસ જોઈન કરી લોકસભા ચૂંટણી લડનારી ઉર્મિલા હવે શિવસેનામાં જોડાવવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટસ મુજબ, ઉર્મિલા સોમવારે મહારાષ્ટ્રમાં સત્તાધારી શિવસેનામાં જોડાશે.

મળેલી જાણકારી મુજબ, શિવસેના ઉર્મિલાને વિધાનસભામાં મોકલવાની તૈયારીમાં છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની પાસે મહાવિકાસ અઘાડી સરકાર તરફથી મોકલાયેલા બે નામોની યાદીમાં ઉર્મિલાનું નામ પણ સામેલ છે. ગઠબંધનમાં સામેલ શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ત્રણે પક્ષોએ ૪-૪ નામોની યાદી સોંપી છે.

તે પછીથી જ ઉર્મિલા શિવસેનામાં સામેલ થશે તેવી અટકળો ચાલી રહી છે. વિધાનસભાની આ બેઠકો છેલ્લા ૬ મહિનાથી ખાલી છે. રાજ્યપાલના કોટાની આ બેઠકો પર સ્પોર્ટસ, કળા, વિજ્ઞાન, શિક્ષણ, સાહિત્ય વગેરે ક્ષેત્રોમાંથી આવતા વિદ્વાનોની પસંદગી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ઉર્મિલાએ ૨૦૧૯માં કોંગ્રેસની ટિકિટ પર મુંબઈ ઉત્તર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી હતી. જોકે, બાદમાં મુંબઈ કોંગ્રેસની કામકાજની રીતને લઈને તેણે પાર્ટી છોડી દીધી હતી. તાજેતરમાં જ કંગના અને શિવસેનાના વિવાદમાં ઉર્મિલાએ કંગનાનો વિરોધ કરી શિવસેનાનો સાથ આપ્યો હતો.

(7:31 pm IST)