મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

દુનિયામાં કોરોના સંક્રમણનો કુલ આંક ૬.૨૫ કરોડને પાર

વિશ્વમાં કુલ ૧૪.૫૮ લાખ લોકોના મોત : સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના દરરોજ સાત લાખ કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે : રિપોર્ટમાં દાવો

વોશિંગ્ટન, તા. ૨૯ : સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, આ કારણે હવે યુરોપના કેટલાંક દેશોમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પહેલા ફ્રાંસમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી અને ત્યાં તારીખ ૧ ડિસેમ્બર સુધીનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. ઈંગ્લેન્ડમાં પણ ફરીવખત લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના દરરોજ ૭ લાખ કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે.

સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં ૬૨,૫૭૩,૪૨૨ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં ૧,૪૫૮,૩૦૯ લોકોના કોરોનાના કારણે મોત થયા છે. અમેરિકામાં પણ કોરોના વાયરસની નવી લહેર જોવા મળી રહી છે. અમેરિકામાં કોરોના વાયરસ સંક્રમિત લોકોની સંખ્યા ૧૩,૬૧૦,૩૫૭ થઈ ગઈ છે અને ત્યાં અત્યાર સુધીમાં ૨૭૨,૨૫૪ લોકોના કોરોનાના કારણે મોત થયા છે. જ્યારે બીજી બાજુ સમગ્ર દુનિયામાં અત્યાર સુધીમાં ૪.૩૨ કરોડ લોકો કોરોના વાયરસને હરાવીને સાજા થઈ ચૂક્યા છે ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૯,૩૯૨,૯૧૯ કેસ નોંધાયા છે અને ૧૩૬,૬૯૬ લોકોના કોરોનાના કારણે મોત થયા છે. જ્યારે બીજી બાજુ ભારતમાં કુલ ૮,૮૦૨,૨૬૭ લોકો કોરોનાને હરાવીને સાજા થઈ ગયા છે. ગુજરાતમાં પણ ૨૪ કલાકમાં ૧૫૯૮ નવા કેસ નોંધાયા છે, જેથી કોરોનાના કેસનો કુલ આંકડો ૨૦૬૭૧૪ થયો છે, કુલ મૃત્યુઆંક ૩૯૫૩ થયો છે.

(7:29 pm IST)