મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે આતંકવાદી જેવો વ્યવહાર: સંજય રાઉતના પ્રહાર

આંદોલન કરી રહેલા ખેડૂતોને ખાલિસ્તાની કહેવા તેમનું અપમાન

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા 3 કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન  રવિવારે પણ યથાવત છે. વિરોધ પ્રદર્શનના ચોથા દિવસે ખેડૂતો દિલ્હીના બોર્ડર પર અડિંગો જમાવીને બેઠા છે, ત્યારે અનેક નેતાઓ તરફથી ખેડૂતોના આંદોલનનું સમર્થન કરવામાં આવી રહ્યું છે અને કેન્દ્ર સરકારની ટીકા કરવામાં આવી રહી છે. હવે શિવસેના નેતા સંજય રાઉતે તેમની સાથે આતંકવાદી વ્યવહાર કરવામાં આવતો હોવાનું જણાવ્યું છે.

શિવસેનાના રાજ્યસભા સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે ખેડૂત આંદોલનને લઈને કહ્યું કે જે પ્રકારે ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવી રહ્યાં છે, તેને જોઈને એવું લાગી રહ્યું છે કે, આ આંદોલનકારી ખેડૂતો આ દેશના નાગરિક જ નથી. તેમની સાથે આતંકવાદી જેવો વ્યહાર કરવામાં આવી રહ્યો છે. તેઓ શીખ છે અને પંજાબ-હરિયાણાથી આવે છે. આથી તેમને ખાલિસ્તાની કહેવામાં આવી રહ્યાં છે. જે ખેડૂતોનું અપમાન છે.

રાઉતના આ નિવેદન પર પલટવાર કરતાં ભાજપના પ્રવક્તા શાહનવાજ હુસૈને કહ્યું કેખેડૂતોની ચિંતા અમે કરીએ છીએ અને કરતાં રહીંશું. ખેડૂત અમારા દિલમાં વસે છે. ખેડૂતોને ભડકાવવાનું કામ કોઈ ના કરે. અમે જે નિર્ણય લઈએ છીએ તે ખેડૂતોના હિતમાં હોય છે. લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે. અમારી અપીલ છે કે, ખેડૂતો ગેરમાર્ગે ના દોરાય.

અગાઉ બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરતા કેન્દ્ર સરકારને આ કાયદા પર પુનર્વિચાર કરવાની સલાહ આપી હતી.

 કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન યથાવત છે. સરકાર હાલ તેમને દિલ્હી-હરિયાણા નજીક સિંધુ બોર્ડર પર રોકી રાખ્યાં છે. સરકારનું કહેવું છે કે, ખેડૂતો નક્કી કરેલા સ્થળ બુરાડીના નિરંકારી સમાગમ ગ્રાઉન્ડમાં જઈને પ્રદર્શન કરે. જો કે ખેડૂતો દિલ્હીના રામલીલા મેદાન કે જંતર-મંતરમાં પ્રદર્શન કરવાની જીદ કરી રહ્યાં છે

(5:08 pm IST)