મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

સરહદ પર તણાવ અને ચાઈનીઝ વસ્તુના બહિષ્કારની વાતો વચ્ચે ચીની કંપનીના કાર્યક્રમમાં CDS બિપિન રાવત સામેલ થતા વિવાદ

એમજી મોટરે કાર્યક્રમના ફોટા ટ્વીટ કર્યા: ફૂલ યુનિફોર્મમાં રાવત સિવાય ભાજપ સાંસદ મીનાક્ષી લેખી અને કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે પણ હાજર : કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે સરહદ પર છેલ્લા કેટલાક મહિનાથી તણાવભરી સ્થિતિ છે. બંને દેશો વચ્ચે અનેક વખતની વાતચીત પછી પણ પૂર્વ લદાખથી સેના હટાવવા પર કોઈ સર્વસંમતિ થઇ શકી નથી. તેના કારણે દેશમાં લોકો ચાઇનીઝ ઉત્પાદકોનો બહિષ્કાર કરી રહ્યા છે. આ દરમિયાન ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવતના એક ચીની કંપનીના કાર્યક્રમમાં સામેલ થતા વિવાદ ઉભો થયો છે

જનરલ બિપિન રાવત ચીનની કંપની એમજી મોટરના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. એક અહેવાલ મુજબ બુધવારે એમજી મોટરના કાર્યક્રમમાં રાવત સિવાય ભાજપ સાંસદ મીનાક્ષી લેખી અને કેન્દ્રીય મંત્રી ફગ્ગન સિંહ કુલસ્તે પણ પહોંચ્યા હતા. આ કાર્યક્રમ ઇલેક્ટ્રિક વાહનો પર કેન્દ્ર સરકારનો પ્રમોટેડ પ્રોગ્રામનો હિસ્સો હતો. એમજી મોટરે કાર્યક્રમના ફોટા ટ્વીટ કર્યા છે, જેમાં મીનાક્ષી લેખી અને ફુલ યૂનિફોર્મમાં રાવત નજરે પડે છે.

એમજી મોટર SAIC મોટર બ્રિટનની એક પેટાકંપની છે, જેની માલિકી ચીની ઓટોમોટિવ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ કંપની SAIC મોટર પાસે છે. અહેવાલ મુજબ આ પગલાને લઇને સંરક્ષણ મંત્રાલયના કેટલાક અધિકારીઓએ વ્યક્તિગત રીતે આશ્ચર્યચકિત થયા છે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું આ ઘટા ચોંકાવનારી છે. કાર્યક્રમમાં યૂનિફોર્મ પહેરેલા સીડીએસની હાજરી સંપૂર્ણપણ અયોગ્ય છે.

આ અંગે કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ પણ ટ્વીટ કરી પ્રતિક્રિયા આપી છે. તેમણે પ્રશ્ન કર્યો કે ચીન સાથે સરહદ પર તણાવ વચ્ચે સીડીએસ જનરલ બિપિન રાવતે ચીનની માલિકી હેઠળની કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં આવેલી કારના ટ્રાયલ રનને લીલી ઝંડી કેમ બતાવી? તેમણે જણાવ્યું કે, શું રાવત અંગે જાણ ના હતી?

  અત્રે ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે અનેક વખતે વાતચીત પછી પણ પૂર્વ લદાખથી સેનાઓને હટાવવા પર કોઇ સંમતિ સધાઇ નથી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને વચ્ચે કોઇ બાબતે અત્યાર સુધી સંમતિ સધાઇ નથી, જેથી આગળની વાતચીત અટકી ગઇ છે. ચીને અત્યાર સુધી નવમા તબક્કાની સેન્ય વાર્તાને લઇને કોઈ તારીખ નક્કી કરી નથી

રિપોટ મુજબ ચીન હજી પણ એ વાત પર મક્કમ છે કે સેના પાછી ખેંચવાના પ્રસ્તાવને પેંગોંગ સો તળાવ અને ચુશુલ વિસ્તારના દક્ષિણ બાજુથી લાગુ કરવામાં આવે, જ્યાં ભારતીય સૈનિકો 29 ઓગસ્ટથી જ રણનીતિક રીતે ચીનથી આગળ છે.

(10:36 am IST)