મુખ્ય સમાચાર
News of Sunday, 29th November 2020

કોરોનાના વધતા કેસ માટે દિલ્હી સરકાર જવાબદાર : ચેતવણી છતાં નક્કર પગલાં ભર્યા નહીં : કેન્દ્રનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ

આમ આદમી પાર્ટીએ આ સોગંદનામાને દુર્ભાવનાપૂર્ણ તેમજ તથ્યથી બિલકુલ વિસંગત ગણાવ્યું.

નવી દિલ્હી : દિલ્હીમાં કોરોનાના કેસને લઇને ફરી રાજકીય માહોલ ગરમાયો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કરીને કોરનાના વધી રહેલા કેસ માટે દિલ્હી સરકારને જવાબદાર ઠેરવી હતી. જે બાદ આમ આદમી પાર્ટીએ આ સોગંદનામાને દુર્ભાવનાપૂર્ણ તેમજ તથ્યથી બિલકુલ વિસંગત ગણાવ્યું. સાથે કેન્દ્ર સરકાર ઉપર પણ નિશાન સાધ્યું છે . સુપ્રીમમાં સોંગદનામુ દાખલ કરીને કેન્દ્ર સરકારે જણાવ્યું કે તમામ ચેતવણીઓ છતાં દિલ્હી સરકારે કોરોના મહામારીને રોકવા માટે કોઇ નક્કર પગલા ભર્યા નથી. રાજ્ય સરકારે ડેગ્યૂ સહિત અન્ય જુદી જુદી બિમારીઓને રોકવા માટે વિજ્ઞાપન આપ્યા.પરંતુ કોરોના મહામારી અંગે કોઇ વિજ્ઞાપન આપ્યું નહીં.

   11 નવેમ્બરની બેઠકમાં પણ દિલ્હી સરકારની ખામીઓ સામે આવી હતી. કેન્દ્રએ કહ્યું કે ઉચ્ચાધિકાર સમિતિએ દિલ્હી સરકારને ચેતવ્યા છતા સરકારે કોઇ કાર્યવાહી કરી નહીં અને આઇસીયૂ બેડની સંખ્યા માત્ર 3500 સુધી જ સિમિત રાખી. જેના કારણે દિલ્હીના સ્વાસ્થ્ય માળખા પર અચાનક દબાણ વધી ગયું. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ કહ્યું કે આશા છે કે કેન્દ્ર સરકાર દોષારોપણના બદલે દિલ્હીવાસીઓ માટે કંઇક નક્કર પગલા ભરશે. મહામારીના સમયે જ્યારે કેન્દ્રએ રાજ્યોની સાથે સહયોગ કરવાની જરૂરિયાત છે ત્યારે કેન્દ્ર સરકાર ખોટા તથ્યો રજૂ કરી રહી છે. તો બીજી તરફ દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે દિલ્હીમાં આઇસીયૂ બેડની પુરતી સંખ્યા છે અને સ્થિતિ નિયંત્રણમાં છે

(12:00 am IST)