મુખ્ય સમાચાર
News of Friday, 29th November 2019

સામનામાં લેખ

ભગવા ધ્વજ સાથે દુશ્મની કરશો તો તમે ખુદને નુકશાન કરશોઃ BJPને સેનાની ચીમકી

મુંબઇ, તા.૨૯: શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે હવે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બની ગયા છે. રાજયમાં મહા વિકાસ અદ્યાડી (કોંગ્રેસ, શિવસેના અને એનસીપી ગઠબંધન)ની સરકાર બની છે. ઉદ્ઘવ ઠાકરેએ સીએમની ખુરશી સંભાળતા જ શિવસેનાએ ભાજપ પર નિશાન સાધ્યુ છે. સામનામાં શુક્રવારે પોતાના સંપાદકીયમાં લખ્યુ છે કે, 'મહારાષ્ટ્ર હવે લાઈનમાં નહિ ઉભુ રહે પરંતુ આગળ રહીને કામ કરશે.' આમાં લખ્યુ છે કે, 'મહારાષ્ટ્ર દિલ્લીના દરબારમાં ચોથી-પાંચમી લાઈનમાં ઉભુ નહિ રહે પરંતુ આગળ રહીને કામ કરશે, પરંપરા એ જ રહી છે. આ પરંપરાનો ભગવો ધ્વજ મહારાષ્ટ્ર વિધાનસભા અને મંત્રાલય પર લહેરાયો છે. ભગવા ધ્વજ સાથે દુશ્મની ના લો, દુશ્મની કરશો તો પોતાનુ જ નુકશાન કરશો. હવે મહારાષ્ટ્રમાં સુરાજયનો ઉત્સવ શરૂ થઈ ગયો છે, જુઓ છો શું? શામેલ થાવ.'

શિવસેનાએ સાધ્યુ ભાજપ પર નિશાન, 'ભગવા ધ્વજ સાથે દુશ્મની...'મહારાષ્ટ્ર દિલ્લીશ્વરોનુ ગુલામ નથી

સામનામાં લખ્યુ છે કે, 'દિલ્લી ભલે દેશની રાજધાની હોય પરંતુ મહારાષ્ટ્ર દિલ્લીશ્વરોનુ ગુલામ નથી. આ તેવર બતાવનાર ઉદ્ઘવ ઠાકરે આજે રાજયના મુખ્યમંત્રી પદ પર બિરાજમાન છે. એટલા માટે હવે મહારાષ્ટ્રના તેવર અને સરકારની છાતી ફૂલેલી રહેશે, એવો વિશ્વાસ રાખવામાં કોઈ વાંધો નથી.'

દિલ્લીને સૌથી વધુ પૈસા મહારાષ્ટ્ર આપે છે, દેશની અર્થ વ્યવસ્થા મુંબઈના ભરોસે ચાલી રહી છે. સૌથી વધુ રોજગાર મુંબઈ જેવુ શહેર જ આપે છે. દેશની સીમા પર મહારાષ્ટ્રના જવાન શહીદ થઈ રહ્યા છે. દેશની સીમાનુ સુરક્ષા તો મહારાષ્ટ્રની પરંપરા રહી છે. એટલે હવે મહારાષ્ટ્ર સાથે અન્યાય નહિ થાય અને તેનુ સમ્માન કરવામાં આવશે, આનુ ધ્યાન મુખ્યમંત્રીએ રાખવાનુ રહેશે.

સામનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરીને લખ્યુ કે નિઃશંકપણે ભાજપ અને શિવસેનામાં અણબનાવ છે પરંતુ નરેન્દ્ર મોદી અને ઉદ્ઘવ ઠાકરેનો સંબંધ ભાઈ-ભાઈનો છે. પ્રધાનમંત્રી આખા દેશના હોય છે, માત્ર એક પાર્ટીના નહિ, એનો સ્વીકાર કરીએ તો જે પોતાના વિચારોના નથી, તેમના માટે સરકાર પોતાના મનમાં રાગ-લોભ કેમ રાખે? સંદ્યર્ષ અને લડાઈ આપણા જીવનનો હિસ્સો છે.

(11:24 am IST)