મુખ્ય સમાચાર
News of Thursday, 29th November 2018

દિલ્હી પોલીસે કરી નાખી ઉતાવળ :રાતોરાત હટાવી લીધા ‘આતંકવાદીઓ’ના પોસ્ટર

ઠપકો મળતા ચોંટાડેલા પોસ્ટરો હટાવી સાફ કરાવ્યા :લેખિત રિપોર્ટ મોકલી દીધો

નવી દિલ્હી: દિલ્હી પોલીસે શંકસ્સ્પદ આતંકવાદીઓના લગાડેલા પોસ્ટરો રાતો રાત હટાવી લીધા છે ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને જે બે શંકાસ્પદ શખસોની તસવીરો આપી ‘નજર’ રાખવા કહ્યું હતું, પોલીસે ઉત્સાહમાં આવીને એ શખસોની બધી ‘વિગતો’ જાહેર કરી દીધી. ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ માટે કહ્યું હતું. પોલીસે બધી જગ્યાએ પોસ્ટર ચોંટાડી દીધા. જ્યારે ઠપકો મળ્યો તો પોલીસે રાતે ચોંટાડેલા પોસ્ટર હટાવી લીધા, સાફ કરાવ્યા અને તેનો લેખિત રિપોર્ટ બનાવી મોકલી આપ્યો છે.

  ગત સપ્તાહે દિલ્હી પોલીસે એક એડવાઈઝરી જાહેર કરી અચાનક જ આખા શહેરમાં પોસ્ટર ચોંટાડ્યા હતા. ખાસ કરીને પહાડગંજના વિસ્તારમાં ઠેર-ઠેર આ તસવીરો રાતોરાત લગાડી દેવાઈ હતી. તેમાં જોવા મળતા બે યુવકોને પાકિસ્તાની આતંકવાદી જણાવી લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી હતી. આ આતંકવાદીઓ દિલ્હીમાં ઘૂસી આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. સાથે જ બંનેને જોતાં જ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે નંબર પણ આપવામાં આવ્યા હતા. પરંતુ, પોસ્ટરમાં દેખાઈ રહેલા બંને યુવકો વિશે નવો ખુલાસો થતાં જ દિલ્હી પોલીસ હવે બેકફુટ પર આવી ગઈ છે. દિલ્હી પોલીસની આ ઉતાવળ માટે તેના પર માછલાં પણ ધોવાઈ રહ્યા છે.
  સૂત્રોનું કહેવું છે કે, હકીકતમાં ભારતીય તેમજ આંતરાષ્ટ્રીય નંબરોથી ઓપરેટ થઈ રહેલા વોટ્સએપ ગ્રુપ, ફેસબુક તેમજ અન્ય સોશયલ સાઈટ્સ પર ગુપ્તચર એજન્સીઓ નજર રાખે છે. આ તસવીર પર નજર પડી, જેમાં બે યુવકો ઉર્દૂમાં લખેલા એક માઈલસ્ટોન પર ઊભા રહેલા જોવા મળી રહ્યા છે. તેમાં દલિહી 360 કિલોમીટર અને ફિરોઝપુર 9 કિલોમીટર લખેલું હતું. દિલ્હીનું નામ લખ્યું હોવાથી ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને તસવીર મોકલી સતર્ક રહેવા કહ્યું હતું. સાથે જ દિલ્હી પોલીસમાં ઈન્ટરનલી એલર્ટ એડવાઈઝરી જારી કરવા કહેવાયું હતું.

  આ કડીમાં પીએચક્યુથી સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટને ઈન્ટરનલી મેસેજ મોકલાયો હતો. પરંતુ, આતંકવાદીઓ વિરુદ્દ કંઈક વધારે જ એલર્ટ મોડમાં આવી ગયેલી પોલીસે જોશમાં આવીને પોસ્ટર બનાવીને હોટલો, ગેસ્ટ હાઉસો સહિત અલગ-અલગ જગ્યાએ ચોંટાડી દીધા. સાવધાન રહેવાની ચેતવણી આપી અને કોઈપણ પ્રકારની માહિતી મળવા પર પહાડગંજ પોલીસનો સંપર્ક કરવાની અપીલ પણ કરવામાં આવી.
  તસવીરમાં નજર આવી રહેલા યુવકો દ્વારા સોમવારે 26 નવેમ્બરે પાકિસ્તાનના ફેસલાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી. જેમાં યુવકોએ દિલ્હી પોલીસ દ્વારા કરાયેલા બધા દાવોઓને નકારી દીધા અને જણાવ્યું કે, તેઓ આતંકવાદી નહીં, પરંતુ ફેસલાબાદમાં તાલીમ-એ-ઈસ્લામિયાના વિદ્યાર્થી છે અને ક્યારેય ભારત નથી ગયા. તેમણે કહ્યું કે, તેઓ કોઈ રાજકીય પક્ષ કે ધાર્મિક સંસ્થા સાથે નથી જોડાયેલા. તેઓ પાકિસ્તાનમાં જ છે અને બધાની સામે ઉપસ્થિત છે. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે, 11 નવેમ્બરે રાયવિંડ ઈઝ્તિમા દરમિયાન તેઓ લાહોર ગયા હતા અને આ તસવીર એ સમયે લેવામાં આવી હતી, જ્યારે તેઓ ગાંદા સિંઘ બોર્ડર પર હતા. તેમણે કહ્યું કે, તેઓ નથી જાણતા કે તેમની આ તસવીર કઈ રીતે દિલ્હી પોલીસ પાસે પહોંચી. બંને વિદ્યાર્થીઓના નામ તય્યબ અને નદીમ છે. આ ચૂકથી દિલ્હી પોલીસની ભારે નાલેશી થઈ છે.
‘ યુવકોની તસવીર જારી કરી દિલ્હી પોલીસે બંનેને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતકવાદી જણાવ્યા હતા. તેમના વિશે કહેવાઈ રહ્યું છે કે, તે પાકિસ્તાનના સ્ટૂડન્ટસ છે. જોકે, સ્પેશયલ સેલના સૂત્રોનું કહેવું છે કે, તે માસૂમ સ્ટૂડન્ટ્સ નહીં, પરંતુ બંનેના સંબંધ આતંકવાદી સંગઠન જૈશની સાથે છે.

  સેલના સૂત્રો મુજબ, તેમની પાસે આ વાતના પૂરતા પુરાવા છે કે તે બંને જૈશ સાથે જોડાયેલા છે. કેટલાક કારણોથી હાલમાં સમગ્ર મામલાની જાણકારી આપી શકાય તેમ નથી. આવનારા દિવસોમાં આ અંગેની જાણકારી સાર્વજનિક કરવામાં આવશે. સૂત્રોનું કહેવું છે કે, જો બંને માસૂમ હતા તો પાકિસ્તાન તરફથી તેમને માસૂમ બતાવવામાં 13 દિવસ જેટલો સમય કેમ લગાવાયો. ત્યાંની ઈન્ટેલિજન્સને તો આ વાતની જાણકારી હતી. હવે, લાગે છે કે, પાકિસ્તાન તરફથી નવો ખેલ શરૂ કરવામાં આવી રહ્યો છે કે જે યુવકોને ભારતીય એજન્સીઓ આતંકવાદી હોવાની શંકામાં પકડે, તેમને માસૂમ જણાવી સ્ટૂડન્ટ હોવાનું બતાવી દેવામાં આવે.

(12:00 am IST)