મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

ભાજપને મજબુત બનાવવા કેશુભાઇ પટેલની પાયારૂપ ભૂમિકા રહી હતી

પુર્વ મુખ્યમંત્રીનું નિધન થતા શ્રદ્ધાંજલી પાઠવતા મેયર સહિતના પદાધિકારીઓ

રાજકોટ તા. ર૯: ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના જૂની પેઢીના અગ્રીમ રાજનેતા કેશુભાઇ પટેલનું નિધન થતા રાજકોટના મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, દંડક અજયભાઇ પરમારએ ઉંડા શોકની લાગણી સાથે સદ્દગતને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

કેશુભાઇ પટેલના નિધનથી માત્ર રાજકીય જ નહિ પરંતુ સામાજિક ક્ષેત્રે પણ કદી પૂરી ન શકાય એવી મોટી ખોટ પડી છે, તેમ જણાવી મેયરે વધુમાં કહ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં ભાજપનો સુર્ય મધ્યાહને ઝળહળી રહ્યો છે પરંતુ શરૂઆતના સમયમાં ગુજરાતમાં જનસંઘના સમયથી જ કાર્યરત રહ્યા અને ભારતીય જનતા પાર્ટીને પણ મજબુત બનાવવામાં કેશુભાઇ પટેલની પાયારૂપ ભૂમિકા રહી હતી.

વિશેષમાં, ગુજરાતમાં બે વખત મુખ્યમંત્રી તરીકે રહી સૌરાષ્ટ્ર સહીત સમગ્ર રાજયના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી ચૂકેલા સ્વ. શ્રી કેશુભાઇ પટેલ દેશના બાર જયોતિર્લિંગ પૈકી એક એવા સૌરાષ્ટ્રમાં આવેલ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટમાં પણ સેવા આપી ચુકયા છે. અહીં એ પણ યાદ અપાવીએ કે, સ્વ. શ્રી કેશુભાઇ રાજકોટમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ નગરસેવક તરીકે રહી ચુકયા છે.

કેશુભાઇના દુઃખદ નિધનથી રાજયને ખુબ મોટી ખોટ પડી છે અને પરમકૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી.

(3:24 pm IST)