મુખ્ય સમાચાર
News of Thursday, 29th October 2020

કોરોનાની વચ્ચે બિહારમાં ૭૧ બેઠક પર ૫૩.૪૬ ટકા મતદાન

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન : રાજકીય રીતે જાગૃત મનાતા રાજ્યમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ ભાજપ અને નીતિશને મુશ્કેલીના એંધાણ

પટણા, તા. ૨૮ : કોરોના મહામારી દરમિયાન બિહાર દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં બિહાર વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે. જો કે બિહાર વિધાનસભા ચૂંટણીને લઇને એ શંકા હતી કે કોરોના કાળમાં મતદારો ઘરમાંથી નીકળશે કે નહીં.જોકે, કોરોના કાળમાં પણ રાજ્યમાં ૭૧ બેઠકો માટેના પ્રથમ તબક્કામાં સાંજના છ વાગ્યા સુધી ૫૩.૪૬ ટકા મતદાન થયું હતું. ચૂંટણી આયોગ  સામે વૉટિંગ પર્સન્ટેજ અને મતદાતાઓની સુરક્ષા એક મોટો પડકાર હતો, પરંતુ ત્રણ તબક્કામાં થનારી બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના વોટિંગ માટે મતદાતાઓનો ઉત્સાહ એ જણાવે છે કે બિહાર રાજકીય રીતે જાગૃત પ્રદેશ છે. કોરોના કાળમાં મતદાતાઓને લઇને બિહારની જનતાનો આ ઉત્સાહ વર્તમાન સરકાર પર ભારે પડશે કે વિપક્ષ પર એ તો ૧૦ નવેમ્બરના જ ખબર પડશે. ચૂંટણી લોકસભાની હોય કે વિધાનસભાની કોઈ પણ ચૂંટણીમાં ક્યારેય ૧૦૦ ટકા મતદાન નથી થતું. મતદાન દરમિયાન એ માનીને ચાલવામાં આવે છે કે સંબંધિત વિધાનસભા અથવા લોકસભા ક્ષેત્રના ૫ ટકા લોકો શહેર અથવા રાજ્યની બહાર હોવાના કારણે મતદાન નથી કરી શકતા, એટલે ૯૫ ટકા મતદારોના આધારે જ વોટિંગ પર્સેન્ટેજ માનવામાં આવે છે. કોઈ પણ ચૂંટણીમાં ૬૦ ટકાથી ઓછું મતદાન થવા પર ઓછું મતદાન, ૬૦થી ૭૦ ટકા મતદાન સારું વોટિંગ અને ૭૦ ટકાથી વધારે મતદાન કરવામાં આવે તો તેને ભારે મતદાન કહેવામાં આવે છે.

વિધાનસભા ચૂંટણીમાં ૧૯૫૨માં ૩૯.૫૧ ટકા, ૧૯૫૭માં ૪૧.૩૭, ૧૯૬૨માં ૪૪.૪૭, ૧૯૬૭માં ૫૧.૫૧, ૧૯૬૯માં ૫૨.૭૯, ૧૯૭૨માં ૫૨.૭૯, ૧૯૭૭માં ૫૦.૫૧, ૧૯૮૦માં ૫૭.૨૮, ૧૯૮૫માં ૫૬.૨૭, ૧૯૯૦માં ૬૨.૦૪, ૧૯૯૫માં ૬૧.૭૯, ૨૦૦૦માં ૬૧.૫૭, ૨૦૦૫ ફેબ્રુઆરીમાં ૪૬.૫૦, ૨૦૦૫ ઑક્ટોબરમાં ૪૫.૮૫, ૨૦૧૦ ઑક્ટોબરમાં ૫૨.૭૩ અને ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં ૫૬.૯૧ ટકા વોટિંગ થયું હતુ. મતદાન દરમિયાન એ માનીને ચાલવામાં આવે છે કે વોટિંગ દરમિયાન મતદાતા વધારે સંખ્યામાં મતાધિકારનો પ્રયોગ કરે છે તો તેનો મતલબ કે તેઓ ત્યાં બદલાવ ઇચ્છે છે. એટલે કે વધારે મતદાન થવા પર એ માનવામાં આવે છે કે તે રાજ્ય અથવા દેશમાં વર્તમાન સરકારથી જનતા નાખુશ છે અને ત્યાં બદલાવ ઇચ્છે છે.

આને જો બીજી ભાષામાં સમજીએ તો સરકારના એન્ટીઇનકમ્બેંસી ફેક્ટરના કારણે મતદાનની ટકાવારી વધે છે, પરંતુ દર વખતે એન્ટી ઇનકમ્બેંસીના કારણે જ મતદાનની ટકાવારી વધે તેવું નથી. અનેકવાર વિરોધ પક્ષના વધારે પ્રહાર બાદ પણ કોઈ પ્રદેશ અથવા દેશમાં પ્રો-ઇનકમ્બેંસી ફેક્ટર પણ કામ કરે છે. બિહાર વિધાનસભા ચૂંટણીના અત્યાર સુધીના પરિણામોને જોઇએ તો ૧૯૯૦માં લાલૂ પ્રસાદ યાદવ બિહારની સત્તા પર બિરાજ્યા હતા અને ૧૯૯૦માં ૬૨.૪ ટકા મતદાન થયું હતુ. જે ૧૯૮૫ની વિધાનસભા ચૂંટણીના પરિણામથી ૮ ટકા વધારે હતુ. ત્યારબાદ ૧૯૯૫માં ૬૧.૭૯ ટકા અને ૨૦૦૦માં ૬૨.૫૭ ટકા મતદાન રેકૉર્ડ થયું હતુ. બિહારમાં ૨૦૦૫માં લાલૂ યાદવની સત્તા જતી રહી હતી અને ૨૦૦૫ના ઑક્ટોબરમાં થયેલી ચૂંટણી દરમિયાન ફક્ત ૪૫.૮૫ ટકા જ મતદાન થયું હતુ. ત્યારબાદ બિહારમાં નીતિશ કુમાર સત્તામાં આવ્યા હતા.

૨૦૧૦માં મતદારોએ બમ્પર વૉટિંગ કર્યું હતુ જેનાથી મતદાન ટકાવારી વધીને ૫૨.૭૩ ટકા થઈ ગયું અને ૨૦૬ સીટની સાથે નીતિશ કુમાર ફરીવાર બિહારની ગાદી પર આવ્યા હતા. એટલે કે વોટિંગ વધવાથી એનડીએની સીટોમાં વધારો થયો હતો. એટલે કે વોટિંગ વધવાથી દર વખતે સરકારની વિરુદ્ધ જ હોય તેવું ના કહી શકાય છે. કહેવામાં આવે છે કે બિહારમાં રાજનીતિને લઇને મતદારોનો જે અતિ ઉત્સાહ જોવા મળે છે તે ઇવીએમ સુધી નથી પહોંચી શકતો, કેમકે અતિ ઉત્સાહી લોકો વોટ આપવા જ નથી જતા. બિહારમાં છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં થયેલા મતદાનની સરેરાશ ૫૧ ટકાથી થોડીક વધારે રહી છે, જેનો મતલબ છે કે લગભગ અડધા મતદારોએ પોતાના લોકશાહી મતાધિકારની તાકાતનો પ્રયોગ જ નથી કર્યો.

બિહાર વિશે કહેવામાં આવે છે કે અહીંની પ્રજા રાજનીતિને લઇને ઘણી જાગૃત છે અને લોકો રાજનીતિમાં ઘણો રસ લે છે. જો આ સત્ય છે કે તો શું કારણ છે કે બિહારમાં મતદાનની ટકાવારી હંમેશા ખરાબ રહે છે. પ્રશ્ન એ પણ ઊઠે છે કે અહીંની જનતા વોટ આપવા કેમ નથી જતી? ૧૯૯૫માં તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશ્નર ટી.એન. શેષાનના ચૂંટણી સુધાર બાદ બિહારમાં નીચેના સ્તરે મનાતા મતદારોએ જોરદાર વોટિંગ કર્યું હતું. ત્યારબાદ જ ૧૯૯૫ની ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવની સરકાર બની હતી.

 

(12:00 am IST)