મુખ્ય સમાચાર
News of Thursday, 29th September 2022

શેરબજારમાં સતત પાંચમા દિવસે કડાકો જોવા મળ્યો

સેન્સેક્સમાં ૧૮૮ અને નિફ્ટીમાં ૪૦ પોઈન્ટનો ઘટાડો : મોનેટરી પોલિસીની જાહેરાત પહેલા શેરમાં મંદી જોવા મળી

મુંબઈ, તા.૨૯ : મોનેટરી પોલિસીની જાહેરાત પહેલા શેરમાં મંદી જોવા મળી રહી છે. આજે બજાર સતત પાંચમા દિવસે ઘટાડા સાથે બંધ થયું છે. જોકે, રાહતની વાત એ છે કે નિફ્ટી ૧૬૮૦૦ની ઉપર બંધ થયો છે. નબળા વૈશ્વિક સંકેતોને કારણે ગુરુવારે ભારતીય બજાર મામૂલી ઘટાડા સાથે બંધ થયું હતું. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) ના બંને સૂચકાંકો નિફ્ટી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) ના સેન્સેક્સ બંને લાલ નિશાનમાં બંધ થયા હતા. બીએસઈના ૩૦ શેરો વાળો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧૮૮ પોઈન્ટ અથવા ૦.૩૩ ટકા ઘટીને ૫૬,૪૦૯ ના સ્તર પર બંધ થયો છે. એનએસઈ નિફ્ટી ૪૦ પોઈન્ટ અથવા ૦.૨૪ ટકાના ઘટાડા સાથે ૧૬,૮૧૮ પર બંધ થયો હતો. ઓટો, આઈટી, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ શેરોમાં નીચા વેપાર થયા હતા. બીજી તરફ, જાહેર ક્ષેત્રની બેંકો, ફાર્મા, એફએમસીજી, મેટલ, રિયાલિટી, મીડિયા અને ઇન્ફ્રા શેર્સમાં ઉછાળા સાથે વેપાર થયો હતો.

શ્રી સિમેન્ટ, ઓએનજીસી, હિન્દાલ્કો, એપોલો હોસ્પિટલ્સ, આઈટીસી, એચડીએફસી લાઈફ, સિપ્લા અને સન ફાર્મા નિફ્ટી પેકમાં ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. એશિયન પેઇન્ટ, ટેક મહિન્દ્રા, હીરોમોટોકોર્પ, બજાજ-ઓટો, ટાઇટન અને વિપ્રો ઘટ્યા હતા. સેન્સેક્સ પેકમાં આઈટીસી ટોપ ગેનર હતો. આ પછી ડોરેડી, ટાટા સ્ટીલ, સન ફાર્મા અને નેસ્લેનો સમાવેશ થાય છે. બીજી તરફ એશિયન પેઇન્ટ, ટાઇટન, ટેક મહિન્દ્રા, વિપ્રો અને કોટક મહિન્દ્રા બેંક ઘટાડાની સાથે બંધ થયા છે.

વૈશ્વિક અસ્થિરતાને કારણે વિશ્વ બજારોની સ્થિતિ મિશ્ર રહી હતી. એશિયામાં ચીન, હોંગકોંગ, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાના બજારો નીચામાં બંધ થયા હતા, જ્યારે દક્ષિણ કોરિયા, તાઈવાન અને જાપાનના બજારો ઊંચા બંધ થયા હતા. યુરોપના મુખ્ય બજારો લંડન, ફ્રાન્સ અને સ્પેનના બજારોમાં ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. બુધવારે અમેરિકી બજાર ઉછાળા સાથે બંધ થયા છે.

  1. ગુરુવારે ડોલર સામે રૃપિયાના અવમૂલ્યન પર અંકુશ આવ્યો હતો. ડોલર સામે રૃપિયો ૧૩ પૈસા વધીને ૮૧.૮૦ પર બંધ થયો હતો. આજે કારોબારની શરૃઆતથી જ ડોલર સામે રૃપિયો ૮૧.૬૦ પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન, તે ૮૧.૫૮ ની ઊંચી અને ૮૧.૯૪ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.

(7:16 pm IST)