મુખ્ય સમાચાર
News of Thursday, 29th September 2022

પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મોટાભાગની છોકરીઓના લગ્ન ૨૧ વર્ષની ઉંમરે અથવા તે પહેલા થઇ જાય છે

ભારતમાં મહિલાઓના લગ્નની સરેરાશ ઉંમર અંગેનો ડેટા : દેશના ગ્રામીણ વિસ્‍તારોમાં લગભગ એક તૃતીયાંશ મહિલાઓના લગ્ન ૧૮ થી ૨૦ વર્ષની વચ્‍ચે થાય છે

નવી દિલ્‍હી,તા. ૨૯: દેશમાં મહિલાઓના લગ્ન અંગે સરકાર દ્વારા ડેટા બહાર પાડવામાં આવ્‍યા છે. જેમાં ચોંકાવનારી બાબતો સામે આવી છે. પヘમિ બંગાળ અને ઝારખંડમાં મોટાભાગની છોકરીઓના લગ્ન ૨૧ વર્ષની ઉંમરે અથવા તે પહેલાં થઈ જાય છે. આ સાથે જ, ગુજરાતનો ૨૧ બાદ લગ્નના આંકમાં ભારતમાં ૨જા ક્રમનું રાજય બન્‍યું છે. તેની સામે, જમ્‍મુ-કાશ્‍મીર અને દિલ્‍હીમાં આ આંકડો અનુક્રમે માત્ર ૧૦ અને ૧૭ ટકા છે. જોકે, બિમારુ રાજય તરીકે માનવામાં આવતા બિહારે કેરળ જેવા સૌથી વિકસિત અને શિક્ષિત રાજયની બરાબરી કરી છે. ડેટાના વિશ્‍લેષણથી એ વાત સામે આવી છે કે, ૨૧ પ્‍લસ વય જૂથમાં બિહાર અને કેરળની સ્‍થિતિ સમાન છે. ડેટામાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે કે, દેશના ગ્રામીણ વિસ્‍તારોમાં લગભગ એક તૃતીયાંશ મહિલાઓના લગ્ન ૧૮ થી ૨૦ વર્ષની વચ્‍ચે થાય છે.

સરકારે વર્ષ ૨૦૨૦નો ડેટા જાહેર કર્યો છે. વિવિધ વયજૂથની મહિલાઓના લગ્નને લઈને નવા અને રસપ્રદ તથ્‍યો સામે આવ્‍યા છે. બિહાર અને કેરળમાં સરેરાશ ૭૨.૬ ટકા મહિલાઓએ ૨૧ વર્ષથી વધુ વય જૂથમાં લગ્ન કર્યા હોવાનું નોંધાયું છે. તે જ સમયે, સૌથી વધુ ઉંમરમાં લગ્ન કરવાના મામલામાં જમ્‍મુ-કાશ્‍મીર ટોચ પર છે. કેન્‍દ્રશાસિત પ્રદેશ જમ્‍મુ અને કાશ્‍મીરમાં ૯૦.૭ ટકા મહિલાઓના લગ્ન ૨૧ વર્ષથી પછીની ઉંમરમાં થાય છે. આ મામલામાં ગુજરાત બીજા (૮૫.૨ ટકા), ઉત્તરાખંડ ત્રીજા (૮૪ ટકા), પંજાબ ચોથા (૮૩ ટકા) અને મહારાષ્ટ્ર પાંચમા (૮૨.૭ ટકા) ક્રમમાં આવે છે. સરકારના ડેટા પ્રમાણે, દેશભરમાં સરેરાશ ૭૦.૫ ટકા રેશિયો સામે આવ્‍યો છે.

ગ્રામીણ ભારતમાં લગભગ એક તૃતીયાંશ મહિલાઓ ૧૮ થી ૨૦ વર્ષની વય વચ્‍ચે લગ્ન કરે છે. જણાવી દઈએ કે, દેશના ગ્રામીણ ભાગોમાં વિવિધ કારણોસર લગ્નની સરેરાશ ઉંમર ઓછી છે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ બાબતમાં નોંધપાત્ર સુધારો પણ જોવામાં આવી રહ્યો છે. આ અગાઉ મોટી સંખ્‍યામાં છોકરીઓના લગ્ન નાની ઉંમરમાં કરવામાં આવતા હતા, પરંતુ હવે આ સંબંધિત આંકડાઓમાં માત્ર મજૂરવર્ગ જ જોવા મળે છે.કેન્‍દ્ર સરકાર દ્વારા ભારતમાં છોકરીઓ માટે લગ્નની ઉંમર ૧૮ વર્ષ નક્કી કરવામાં આવી છે. નાની ઉંમરમાં લગ્ન કરવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, વર્ષ ૨૦૨૦માં કેરળમાં ૧૮ વર્ષથી ઓછી ઉંમરની એક પણ છોકરીના લગ્ન થયા નથી. તે જ સમયે, ઝારખંડ (૫.૮ ટકા) આ બાબતમાં ટોચ પર છે. તે બાદ, પશ્ચિમ બંગાળનો ૪.૭ ટકા સાથે બીજો નંબર આવે છે. 

(12:20 pm IST)