મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

બુલિયન માર્કેટમાં ફરી તેજી: સોનામાં રૂ,700 અને ચાંદીમાં રૂ,1800નો ઉછાળો : નીચા સ્તરેથી ટ્રેડર્સ-જ્વેલર્સની લેવાલીના પગલે ભાવને સપોર્ટ

હાજર બજારની સાથે વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ નીચલા સ્તરેથી સુધર્યા

અમદાવાદઃ વૈશ્વિક સુધારાની હૂંફ સાથે સ્થાનિક સ્તરે ટ્રેડર્સ-જ્વેલર્સની લેવાલી નીકળતા ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં નીચલા સ્તરેથી ઉછાળો નોંધાયો છે. અમદાવાદ બુલિયન બજારમાં સોનાના હાજર ભાવમાં 700 રૂપિયા અને ચાંદીમાં 1800 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. 10 ગ્રામ દીઠ સોનાનો ભાવ આજે મંગળવારે રૂ.700 વધીને રૂ. 52,000 અને ચાંદી રૂ. 1800 ઉછળીને રૂ. 60,000 પ્રતિ કિગ્રા થઇ હતી. જ્યારે સોમવારે સોનું રૂ. 51,300 અને ચાંદી રૂ. 58,200 હતી.

બુલિયન ડિલરો ગ્રાહકોને સોના પર મોટુ ડિસ્કાઉન્ટ આપીને બજારમાં આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. છ સપ્તાહથી સતત સોનામાં ડિસ્કાઉન્ટ બોલાઇ રહ્યુ છે. પાછલા સપ્તાહે પણ સોનામાં પ્રતિ ઔંસ દીઠ 5 ડોલરનું ડિસ્કાઉન્ટ બોલાઇ રહ્યુ હતુ. જો કે અગાઉ 23 ડોલર જેટલુ જંગી ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ હતુ.

દિલ્હી ખાતે બુલિયન બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.610 વધીને રૂ. 53,350 થયો હતો. તો ચાંદીમાં રૂ. 2700નો ઉછાળો નોંધાયા 1 કિગ્રાનો ભાવ રૂ. 60,700 થયો હતો.

હાજર બજારની સાથે વાયદા બજારમાં સોના-ચાંદીના ભાવ નીચલા સ્તરેથી સુધર્યા હતા. એમસીએક્સ ખાતે સોનાનો વાયદો 187 રૂપિયા વધીને રૂ. 50,320 પ્રતિ 10 ગ્રામ થયો હતો. બુલિયન એનાલિસ્ટોનું કહેવુ છે કે, ટ્રેડર્સની નવી લેવાલીથી સોનાના ભાવમાં તેજી આવી છે. ન્યુયોર્ક ખાતે સોનાનો ભાવ સાધારણ વધીને 1886 ડોલર અને ચાંદી 23.75 ડોલર પ્રતિ ઔંસ ક્વોટ થયો હતો. તો એમસીએક્સ સિલ્વર કોન્ટ્રાક્ટ પણ 330 રૂપિયા વધીને રૂ. 60,726 પ્રતિ કિગ્રા થઇ હતી.

(7:01 pm IST)